અમદાવાદઃ જીવનમાં વ્યાવહારિક, વ્યક્તિગત, પારિવારિક વ્યાવસાયિક કે આધ્યાત્મિક ક્ષેત્રે ઉદ્દભવતા પ્રશ્નોનું સરળ સમાધાન એટલે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી રચિત પુસ્તક “એન ઇન્ટિમેટ નોટ ટુ ધ સિન્સિયર સીકર”. ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ, જીવનનાં અસંખ્ય પાસાંઓને આવરી લેતા, આવા અનેક સાચા પ્રશ્નોના ઉત્તર તથા જીવનયાત્રામાં આવતા અવરોધોને પાર કરવા સહાયરૂપ જ્ઞાન, સાત વર્ષ સુધી, પ્રતિ સપ્તાહ એક-એક જ્ઞાન પત્ર દ્વારા વિશ્વભરમાં લાખો સાધકોને પાઠવેલ છે. આ બધાં જ જ્ઞાન-પત્રોનું સંકલન, “એન ઇન્ટિમેટ નોટ ટુ ધ સિન્સિયર સીકર” નામક પુસ્તકમાં કરવામાં આવ્યું છે. પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા રચિત આ પુસ્તકનું, આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા તાજેતરમાં વિમોચન કરવામાં આવ્યું છે.
જ્યારે સહકાર્યકરો – કર્મચારીઓનું વલણ સહકારભર્યું નથી, તો આ સ્થિતિમાં પૂરી ક્ષમતા સાથે કઈ રીતે કામ કરવું? અવ્યવસ્થા અને અંધાધૂંધીના સંજોગોમાં મન શાંત અને કેન્દ્રિત રાખીને કઈ રીતે સાચા નિર્ણય લેવા? ઈશ્વર એટલે શું? કર્મનો સિદ્ધાંત કઈ રીતે કામ કરે છે? પ્રિયજનનાં મૃત્યુના દુઃખમાંથી કઈ રીતે બહાર નીકળી શકાય? પ્રેમ શું છે? અસ્તિત્વની જટિલતાને તેઓએ ખૂબ સરળ છતાં ગહન અર્થ સાથે, હળવી શૈલીમાં સમજાવી છે. ગુજરાતી રંગભૂમિનાં પ્રખ્યાત કલાકાર અભિજ્ઞા મહેતા કહે છે, “મારા મનમાં કોઈ પ્રશ્ન હોય કે દ્વિધામાં હોઉ અને આ પુસ્તકનું કોઈપણ એક પાનું ખોલીને જોઉં તો તેમાં મને મારા પ્રશ્નનો જવાબ મળી જ જાય છે.” સુપ્રસિદ્ધ સુગમ સંગીત કલાકાર સોનલ રાવલ જણાવે છે કે “ગુરુદેવ ના સરળ શબ્દો મનને તરત જ હળવું કરે છે અને હૃદયને શીતળતા પ્રદાન કરે છે.”