ગુજરાતનું GST સહેલી પોર્ટલઃ અંગ્રેજી-ગુજરાતી-હિન્દી ભાષા સાથે એકમાત્ર પોર્ટલ, ખૂબ ઉપયોગી વાત…

ગાંધીનગર– ગુજરાતના જીએસટી સહેલી વેબપોર્ટલની અસરકારક ઉપયોગીતા ધ્યાને લઇને કેન્દ્ર સરકારના એમએસએમઇ મંત્રાલયના વિકાસ કમિશનર દ્વારા દેશના તમામ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ (એમએસએમઇ) યુનિટમાં ગુજરાતે તૈયાર કરેલા આ પોર્ટલને અમલી બનાવવામાં આવશે. આ માટે નવી દિલ્હી ખાતે સચિવ અને ગ્રામ વિકાસ કમિશનર મોના ખંધાર અને કેન્દ્ર સરકારના એમએસએમઇ મંત્રાલયના વિકાસ કમિશનર રામ મોહન મિશ્રા તેમજ અધિક વિકાસ કમિશનર વિપુલ શ્રીવાસ્તવ વચ્ચે સમજુતિ કરાર કરવામાં આવ્યા હતા, જે ગુજરાત માટે ગૌરવ સમાન છે.

જીએસટીની આકારણી મોટા ઉદ્યોગો અને કોર્પોરેટની સરખામણીમાં એમએસએમઇ અને સહકારી ક્ષેત્ર માટે થોડી જટિલ હોઇ તેમજ ગુજરાતમાં એમએસએમઇ અને સહકારી ક્ષેત્રોની સંખ્યા વધુ હોઇ ગ્રામ્ય ઉદ્યોગો પણ એમએસએમઇ અને સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા હોવાથી ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની(જીએલપીસી) દ્વારા જીએસટી સહેલી નામનું જીએસટી સુવિધા પ્રોવાઇડર (જીએસપી) ઓનલાઇન વેબ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું હતું. આવા ઉદ્યોગો માટે આશીર્વાદરૂપ એવા આ જીએસટી સહેલી પોર્ટલનું મે-૨૦૧૮માં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે લોન્ચ કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેઅનીય છે કે, જીએસટી ક્ષેત્રે અંગ્રેજી ઉપરાંત ગુજરાતી અને હિન્દી ભાષામાં સુવિધા આપતું ભારતનું એક માત્ર આ જીએસટી વેબ પોર્ટલ છે. જીએલપીસી દ્વારા જીએસટી નેટવર્ક સાથે જીએસપી તરીકે કામગીરી કરવા માર્ચ-૨૦૧૮ના રોજ કરાર કરવામાં આવ્યા છે. જીએસટી સહેલીનું BETA વર્ઝન ઉદ્યોગકારો માટે ત્રણ માસ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. ત્યારબાદ સપ્ટેમ્બર-૨૦૧૮થી પેમેન્ટ લીન્કસ સાથેનું વેબ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મ પરથી સરળ રીતે ઇનવોઇસ તૈયાર કરી જીએસટીના રીટર્ન્સ ઓટો જનરેટ કરવામાં આવે છે. તેના અલગ અલગ સ્ટેજ પર ઇનવોઇસ મેચીંગ તેમજ એડિટીંગની સુવિધા પણ આપવમાં આવી છે. વપરાશકારની કોઇ ભુલ ન થાય, ફંડનું ખોટું રોકાણ ન થાય તેની જીએસટી સહેલી દ્વારા વિશેષ કાળજી લેવામાં આવે છે. આ ઉપરાંત ઇ-વેબીલ, ટેલી, ઇન્ટીગ્રેશન કલાયન્ય સ્પેસિફીક ડેશબોર્ડ, કેશ અને ક્રેડીટ લેઝર જેવી વિશેષ સુવિધાઓ પણ આપવામાં આવી છે.

જીએસટી સહેલી એમએસએમઇ અને સહકારી ક્ષેત્ર માટે છુટછાટયુકત દરથી સેવાઓ પુરી પાડે છે. એટલું જ નહીં ૩૦૦ જેટલા કોમર્સ અને સાયન્સ સ્નાતક યુવાનોને તાલીમ આપી વાજબી દરે સહયોગ આપવા જીએસટી સહાયકો પણ તૈયાર કરવામાં આવ્યા છે.

 

અત્રે નોંધનીય છે કે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સંયુકત રીતે ૧લી, જુલાઇ-૨૦૧૭થી અમલી બનાવવામાં આવેલ ક્રાંતિકારી ઇનડાયરેકટ ટેક્સ રીફોર્મ છે. જે સંપૂર્ણ રીતે ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક દ્વારા ઑનલાઇન ભરવામાં આવે છે.