‘ટારગેટ- GPSC’ પુસ્તકનું વિમોચનઃ શું છે આ પુસ્તકમાં જાણો?

અમદાવાદ: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ) નાં વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ.) નવીન શેઠે વરિષ્ઠ પત્રકાર હેમેન ભટ્ટ લિખિત પુસ્તક “ટારગેટ- GPSC” નું વિમોચન કર્યું હતું.

આ અવસરે કુલપતિ નવીન શેઠે જણાવ્યું કે ગુજરાતનાં ઘણા વિદ્યાર્થીઓ અગાઉ કોમ્પીટેટીવ પરીક્ષામાં બેસતા ન હતા, તેનું કારણ જાણકારીનો અભાવ અને અપૂરતું માર્ગદર્શન હતા. પરંતુ હેમેન ભટ્ટનાં લેખો અને પુસ્તકોએ આ અભાવ દૂર કર્યો છે. આથી વિદ્યાર્થીઓ હવે GPSC – UPSC જેવી કોમ્પીટેટીવ પરીક્ષા આપવા લાગ્યા છે.

નવીન શેઠે કહ્યું હતું કે હેમેનભાઈએ આ અગાઉ UPSC પાસ કરી IAS-IPS  બનેલા ઉમેદવારોના ઈન્ટરવ્યું લઈને ગુજરાતીમાં ‘લક્ષ્ય વેધ‘ અને અંગ્રેજીમાં ‘ફ્લાઈંગ કલર્સ‘ આપ્યા છે. હવે GPSC પરીક્ષા પાસ થયેલા ઉમેદવારોની સફળતા ગાથા આલેખતું પુસ્તક “ટારગેટ- GPSC ” બહાર પાડ્યું છે,  તે સરાહનીય છે. તેમણે જણાવ્યું કે આ પુસ્તક GPSCની પરીક્ષા આપવા ઇચ્છતા ઉમેદવારો માટે પ્રેરણાદાઈ બનશે. ગુજરાતનાં યુવાનો માટે આ પુસ્તક બહુ ઉપયોગી અને સાચા માર્ગદર્શકની ભૂમિકા ભજવશે. આવા પુસ્તક વાંચીને ગુજરાતનાં યુવાનો UPSC- GPSC જેવી દેશની મહત્વની ગણાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા પ્રેરીત બનશે. આવું સારુ પુસ્તક આપવા માટે કુલપતિ નવીન શેઠે હેમેન ભટ્ટને અભિનંદન આપ્યા હતાં.

વરિષ્ઠ પત્રકાર હેમેન ભટ્ટે જણાવ્યું હતું કે “ટાર્ગેટ GPSC” પુસ્તકમાં મેં ૭૦- ૭૦ જેટલા GPSC પાસ થયેલા અધિકારીઓની સંઘર્ષ ગાથા અને સફળતા ગાથા આલેખી છે. UPSC પાસ અધિકારીઓની મુલાકાત પર આધારિત મારું પુસ્તક “લક્ષ્ય વેધ”ની ૪ આવૃત્તિઓ અને 9 હજાર જેટલી કોપીઓનુ ટૂંકાગાળામાં વેચાણ થયું છે, આ પુસ્તકને પણ એટલો જ બહોળો પ્રતિસાદ મળશે એવી મને આશા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]