ગાંધીનગર- ગુજરાતના જળસંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે ૮-૦૦ વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન વ્યાપક વરસાદના કારણે રાજ્યના ૧૮ જળાશયો હાઇએલર્ટ, ૧૧ જળાશયો એલર્ટ તેમજ ૯ જળાશયો માટે ચેતવણી આપવામાં આવી છે.નવસારી જિલ્લાનું ઝૂજ અને કેલિયા, અમરેલીનું વાડિયા અને ધાતરવાડી, જામનગરનું પૂના, ઉન્ડ-૩ અને ફુલઝર-૧, ભાવનગરનું રોજકી અને બાગડ, ગિર સોમનાથનું મચ્છુન્દ્રી અને હીરણ-૨, જૂનાગઢનું મધુવંતી, પોરબંદરનું અમીરપુર તાપીનું દોસવાડા રાજકોટનું મોતીસર, ભરૂચનું ઢોળી, જામનગરનું કંકાવટી અને જૂનાગઢનું અંબાજલ એમ કુલ ૧૮ જળાશયો હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત રાજયના કુલ ૧૧ જળાશયો એલર્ટ જાહેર કરાયા છે. જ્યારે અન્ય ૯ ડેમો માટે ચેતવણી આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૮.૯૦ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૮.૯૦ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૨૭.૦૧ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૦.૦૯ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૮ જળાશયોમાં ૪૪.૩૭ એમ રાજયમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૩૨.૯૪ ટકા એટલે ૧,૮૩,૩૧૧ મીટર ઘન ફૂટ છે.
રાજયના કુલ ૨૦૩ જળાશયો પૈકી ૧૪ જળાશયો ૧૦૦ ટકાથી વધુ, ૨૫ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે, ૨૪ જળાશયો ૫૦ થી ૭૦ ટકા, ૫૦ જળાશયો ૨૫ થી ૫૦ ટકા તેમજ ૯૦ જળાશયો ૨૫ ટકાથી ઓછા ભરાયા છે. સરદાર સરોવર જળાશયમાં હાલમાં ૧,૩૨,૭૫૨ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિની ૩૯.૭૪ ટકા છે. જયારે રાજયના કુલ ૨૦૩ જળાશયોમાં હાલમાં કુલ સંગ્રહ ૧,૮૩,૩૧૧ એમ.સી.એફ.ટી. છે જે કુલ સંગ્રહશક્તિના ૩૨.૯૪ ટકા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં સરદાર સરોવર, દમણગંગા, પાનમ, ધરોઈ, ઉકાઈ, સસોઈ, સુખી, વણાકબોરી, દાંતીવાડા, ઓઝત-વિઅર (વંથલી), કડાણા, કેલીયા, હીરણ-૨, પુના, આજી-૨, ઓઝત-વિઅર, ઝુજ, કરાડ, મેશ્વો, શિંગોડા, રાવલ અને રોજકી એમ કુલ ૨૨ જળાશયયોમાં દૈનિક ૧૦૦૦થી વધુ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે તેમ વધુમાં જળ સંપત્તિ વિભાગની યાદીમાં જણાવાયું છે.