રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં વહેલી સવારે ઠંડી અને બપોરે આકરી ગરમી જોવા મળી રહી છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર, આગામી દિવસોમાં રાજ્યમાં ગરમી વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ મુજબ હાલ રાજ્યમાં પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાય રહ્યા છે. જેના કારણે તાપમાનમાં મોટો ફેરફાર નથી. જોકે, 22મી માર્ચ પછી પવનની દિશામાં ફેરફાર થવાના કારણે મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે. ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર દિશાથી આવતા પવનો ગરમ હોવાથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી અથવા તેનાથી વધુ થઈ શકે છે. સાથે જ અમુક વિસ્તારોમાં ઉત્તર-પૂર્વ દિશાના પવનો ફૂંકાશે, જેના કારણે ગરમીમાં વધારો થશે.
ઉલ્લેખનીય છે કે, આગામી 24 કલાકમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજયુક્ત ગરમ પવનો ફૂંકાવાની સંભાવના છે, જે બફારો વધારશે. જોકે, તેના બાદ બે દિવસ માટે બફારામાં થોડી રાહત મળશે, પણ સાથે સાથે તાપમાન પણ વધતા ગરમી વધુ લાગશે. એટલે કે, ગુજરાતવાસીઓને આકરા તાપ માટે તૈયાર રહેવું પડશે.
