વિધાનસભામાં ઊર્જાપ્રધાનનો વારો નીકળ્યો, કચ્છની 5માંથી 2 લિગ્નાઈટ ખાણ બંધ

ગાંધીનગર- કચ્છ જિલ્લામાં લિગ્નાઈટની ખાણો અંગેના જવાબની માહિતી આપતાં ઊર્જાપ્રધાન સૌરભ પટેલે જણાવ્યું કે, જિલ્લામાં ત્રણ ખાણો ચાલુ છે અને બે ખાણો બંધ છે. બંધ રહેવાના કારણો અંગે જણાવ્યું કે, નારાયણ સરોવર ચિંકારા અભ્યારણ્ય ઇકો સેન્સેટીવ ઝોનને કારણે બંધ છે અને બીજી ખાણમાં લિગ્નાઈટનો જથ્થો પૂર્ણ થયેલ છે. જુલરાઈ, વાધા, પધ્ધર વિસ્તારમાં ઈકૉ સેન્સીટીવ ઝોનના ‘ના વાંધા પ્રમાણપત્ર’ રજૂ થયેથી ચાલુ કરવામાં આવશે.

રાજકોટ જિલ્લામાં ૫૭૪ ગામોમાં સેવા સેતુ યોજાયા

રાજકોટ જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, ૫૭૪ ગામોને આવરી લઇ ૮૯ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે આ કાર્યક્રમ હેઠળ પંચાવન સેવાઓને આવરી લેવામાં આવી છે. સેવા સેતુના કાર્યક્રમ હેઠળ રાજકોટ જિલ્લામાં ૩,૪૫,૯૮૬ અરજીઓ આવી છે જે તમામનો નિકાલ કરવામાં આવ્યો છે. સેવા સેતુના કાર્યક્રમમાં બાકી રહેલા ગામોને આગામી તબક્કાવાર સમાવી લેવામાં આવશે.

વલસાડ જિલ્લાના ૧૩ એકમોને રૂપિયા ૧૫.૫૭ લાખ ચૂકવાયા

વલસાડ જિલ્લામાં એમ.એસ.એમ.ઇ. એકમોને ગુણવત્તા સુધારણા યોજના હેઠળ અરજીઓના પ્રશ્નના પ્રત્યુત્તરમાં ઉદ્યોગ પ્રધાન તરીકેનો હવાલો ધરાવતા સૌરભ પટેલે જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી ૧૯ અરજીઓ મળી હતી તે પૈકી ૧૩ અરજીઓ મંજૂર કરવામાં આવી છે તેમને રૂ ૧૫.૫૭ લાખનું ચુકવણું કરાયું છે.

એમ.એસ.એમ.ઇ.  એકમોને સહાયરૂપ થવા તથા ગુણવત્તા સુધારણા માટે, ઉદ્યોગોને મજબૂત કરવા માટે, આંતરરાષ્ટ્રીય વ્યાપારની સવલતો માટે, એરપોર્ટ સુવિધા તથા હાર્ડવેર અને સોફ્ટવેર માટે પણ સહાય પૂરી પાડવામાં આવે છે.  જેમાં સોફ્ટવેર માટે રૂપિયા ૫૦ લાખના રોકાણની પ્લાન્ટ અને મશીનરી હોય તો ૬૫ ટકા પ્લાન્ટના અને વધુમાં વધુ એક લાખની સહાય, રૂપિયા ૫૦ લાખથી રૂ. ૧ કરોડનો પ્લાન્ટ હોય તો પ્લાન્ટની મૂળ નિર્માણના ૬૦ ટકા તથા રૂપિયા ૨ થી ૧૦ કરોડના પ્લાન્ટમાં મૂળ કિંમતના ૫૦ ટકા સહાય અપાય છે. એ જ રીતે હાર્ડવેર માટે જે રૂપિયા ૫૦ લાખનો પ્લાન્ટ મશીનરી હોય તો પ્લાન્ટના ૬૫ ટકા લેખે સહાય, રૂપિયા ૫૦ લાખથી બે કરોડનો પ્લાન્ટ હોય તો મૂળ કિંમતના ૬૦ ટકા તથા રૂપિયા બે કરોડથી ૧૦ કરોડના પ્લાન્ટમાં મુળ કિંમતના ૫૦ ટકાની સહાય અને વધુમાં વધુ રૂપિયા પાંચ લાખની મર્યાદામાં સહાય પૂરી પાડવામાં આવે છે.

૮ હજારથી વધુ લોકોને રોજગારી

વિધાનસભા ખાતે મે. લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડને સેઝ પાર્ક સ્થાપવાની મંજૂરીના પ્રશ્નના પ્રત્યુત્તરમાં સૌરભ પટેલે જણાવ્યું કે, તત્કાલીન રાજ્યમાં અનેક સેઝ શરૂ થયા છે. જેમાં વડોદરા ખાતેનું એલ. એન્ડ ટી.નું સેઝ નોલેજ સિટી તરીકે ઓળખાય છે. આ નોલેજ સિટીમાં એલ. એન્ડ ટી.ની ત્રણ કંપનીઓ કાર્યરત છે. જેમાં એન્જિનિયર તથા અન્ય રીતે આનુષાંગિક સ્ટાફને રોજગારી પૂરી પાડવામાં આવે છે.  ૯૦ ટકા એન્જિનિયરોને રોજગારી અપાય છે તે રીતે રૂ.૪૦,૦૦૦નો શરૂઆતી પગાર મળે છે સ્થાનિક કક્ષાએ પણ નિયમ મુજબ રોજગારી પૂરી પાડવામાં આવે છે.

 

તમામ ગૌણ ખનીજ બ્લૉકની હરાજી હવે ઇ-ઓક્શનથી

રાજ્યની તમામ ગૌણ ખનીજ બ્લૉકની હરાજી હવેથી સંપૂર્ણ પારદર્શકતાથી ઇ-ઓકશન દ્વારા જ કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં ૬૮૬ ગૌણ ખનીજ બ્લૉક માટેની અરજીઓમાંથી ૨૦૦ બ્લૉકની ઇ-ઓકશનની ટેન્ડર પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરાઇ છે.  વિધાનસભા ગૃહમાં પાલિતાણાના ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા દ્વારા ગૌણ ખનીજની જાહેર હરાજીથી નિકાલના સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ખાણ ખનીજનો હવાલો ધરાવતા પ્રધાન સૌરભભાઇ પટેલે કહ્યું હતું.

ભાવનગર જિલ્લામાં તારીખ:૩૧.૦૩.૨૦૧૯ની સ્થિતિએ ગૌણ ખનીજની હરાજી માટે કુલ ૨૦ બ્લૉક ઇ-ઓકશન પોર્ટલ પર હરાજી માટે મુકવામાં આવ્યા હતા. જેમાંથી ૧૫ બ્લૉકની સફળતાપૂર્વક હરાજી પૂર્ણ કરાઇ છે, જ્યારે અન્ય ૫ બ્લોકોની હરાજીની પ્રક્રિયા ચાલી રહી છે.

પાટણમાં રેલવેની એલાઈમેન્ટમાં ફેરફાર

વૈશ્વિક કક્ષાએ જ્યારે કોઈ સિટીને હેરિટેજ કક્ષાનો દરજ્જો મળે છે ત્યારે તે સિટીનો વિકાસ હેરિટેજ સાઇટના માપદંડ પ્રમાણે કરવામાં આવતો હોય છે. આ જ કારણે પાટણ શહેરની રેલવેની એલાઈમેન્ટમાં ફેરફાર થયો છે. પાટણ જિલ્લા કલેકટર દ્વારા રેલવેને આ અંગે જાણ કરવામાં આવી છે. રેલવેની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રેલવેની એન.ઓ.સી. બાદ પાટણ શહેરની નગર રચના યોજના-રને ફાઇનલ કરવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે તેમ વિધાનસભાગૃહમાં ધારાસભ્ય દ્વારા પાટણ શહેરની ટીપી સ્કીમોને મંજૂર કરવા અંગેના પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા શહેરી વિકાસ અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું.

શેત્રુંજી નદીનો ઈકૉ સેન્સીટીવ ઝોનનો પ્રશ્ન હાઇકોર્ટમાં પેન્ડિંગ

વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, અમરેલી જિલ્લાના શેત્રુંજી નદીનો વિસ્તાર ઇકો સેન્સીટીવ ઝોનમાં સમાવેશ થવાના કારણે કાયદેસર માઇનિંગ માટે લીઝ અપાતી નથી અને ગેરકાયદેસર રીતે માઇનિંગ થાય છે આ પ્રશ્ન હાઈકૉર્ટમાં પેન્ડિંગ છે. કોર્ટનો ચુકાદો આવ્યેથી યોગ્ય નિર્ણય કરીને ઝડપથી હરાજી કરીને માઇનિંગ માટે લીઝ ફાળવવામાં આવશે. આજે વિધાનસભા ખાતે અમરેલી અને પોરબંદર જિલ્લામાં ફ્લાઇંગ સ્ક્વોર્ડ દ્વારા લીઝોના ચેકિંગના વિપક્ષી નેતાનાં પ્રશ્નના પ્રત્યુત્તરમાં મુખ્યપ્રધાને આમ જણાવ્યું હતું.

છેલ્લા બે વર્ષમાં અમરેલી અને પોરબંદર જિલ્લામાં ફ્લાઇંગ સ્ક્વોર્ડ દ્વારા ત્રણ વખત દરોડા પાડીને ખાણ/લીઝનું ચેકિંગ કરાયું છે. આ ચેકિંગ દરમિયાન રૂ.૧૦૩૧.૫૭ લાખની ખનીજચોરી પકડવામાં આવી છે. આ સંદર્ભે રૂ.૧૦.૯૮  લાખની વસૂલાત કરવામાં આવી છે અને ચાર વ્યક્તિઓને દંડ ભરવા નોટિસ પણ આપવામાં આવી છે.

કોસ્ટલ કાર્ગોને ઉત્તેજન આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ

ગાંધીનગર વિધાનસભા ગૃહમાં અકોટાના ધારાસભ્ય સીમાબેન મોહીલે દ્વારા રાજ્યમાં કોસ્ટલ કાર્ગોને ઉત્તેજન આપવા માટે યોજના અંગેનો પૂછવામાં આવેલ લેખીત પ્રશ્નનો લેખીત પ્રત્યુત્તર આપતાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, ૩૧.૦૩.૨૦૧૯ની સ્થિતિએ કોસ્ટલ કાર્ગોને ઉત્તેજન આપવા માટેની યોજના છે. જેમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા બંદરીય વપરાશકારો દ્વારા બંદરીય વપરાશકારો દ્વારા કોસ્ટલ કાર્ગોના વહનમાં વધારો થાય તે માટે સિડ્યુલ ઓફ પોર્ટ ચાર્જીસના કાર્ગો રીલેટેડ ચાર્જમાં જેમ કે વાર્ફેજ દરોમાં ૨૦ ટકાની છૂટ આપેલ હતી. જે ૨૦૧૯માં વધારીને ૪૦ ટકા કરવામાં આવેલ છે. જ્યારે વેસલ રિલેટેડ ચાર્જમાં ફોરેન વેસલની સરખામણીમાં ૫૦ ટકા ઉપર છૂટ આપવામાં આવે છે.

પોરબંદર તથા નવલખી ખાતે પોસ્ટલ કાર્ગોની હેરફેર માટે જેટીની સુવિધાઓ વિકસાવવા પર્યાવરણીય અભ્યાસ હાથ ધરવામાં આવેલ છે. આ અભ્યાસો અંતર્ગત પર્યાવરણ અને કોસ્ટલ રેગ્યુલેટરી ઝોનની મંજૂરીની કાર્યવાહી પ્રગતી હેઠળ છે. આ કામ હાથ ધરવા સારૂ ભાવપત્રકો માંગવામાં આવેલ છે. વાહન-મુસાફરોના કોસ્ટલ પરિવહન માટે રાજ્ય સરકાર દ્વારા ખંભાતના અખાતમાં દહેજ અને ઘોઘા વચ્ચે રો-પેકસ ફેરી સર્વિસ ચાલુ કરવામાં આવેલ છે.