અમદાવાદઃ ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની બમ્પર જીત દેશનું રાજકીય ચિત્ર બદલી દેશે અને એ વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં પર સકારાત્મક અસર પાડશે. રાજ્યની ચૂંટણીના પરિણામો એ વાતનું પ્રમાણ છે કે રાજ્ય એ ભાજપનો ગઢ છે, એમ તેમણે કહ્યું હતું. વળી, આ જીતે દેશના કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ અને ઊર્જા ભરી દીધી છે.
ગૃહપ્રધાનની આ ટિપ્પણી રવિવારે સુરત શહેર અને જિલ્લા ભાજપ દ્વારા આયોજિત નવા ચૂંટાયેલા વિધાનસભ્યોના અભિવાદન કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધિત કરતા આવી છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વખતે અનેક નવી પાર્ટીઓને દાવાઓ અને વચનો આપ્યાં હતાં, પરંતુ પરિણામોએ એ બધા પક્ષોના ચૂંટણી વચનો ફગાવી દીધાં હતાં. એ ચૂંટણી પરિણામોથી માલૂમ પડે છે કે રાજ્યના લોકો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપનું સ્વાગત કરવા માટે તૈયાર હતા. એ બમ્પર જીતે દેશને એક મજબૂત સંદેશ આપ્યો હતો કે ગુજરાત ભાજપનો ગઢ છે અને રહેશે, એમ તેમણે જણાવ્યું હતું.
તેમણે પાર્ટીના કાર્યકર્તાઓને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે એ જીત ભાજપના બૂથ સ્તરીય પેજ કમિટીથી માંડીને પ્રદેશાધ્યક્ષ સુધીના કાર્યકર્તાઓને કારણે થઈ હતી.
વળી, વડા પ્રધાનની દેશના અને રાજ્યના લોકોમાં વધતી લોકપ્રિયતાને કારણે તેમને લોકસભામાં બે વાર ગુજરાતની 26માંથી 26 સીટો પર જીત હાંસલ કરી હતી. આવનારાં પાંચ વર્ષમાં ભાજપના કાર્યકર્તાઓએ જ વડા પ્રધાન મોદીના સંદેશ અને જાહેર કલ્યાણની યોજનાઓને લોકો સુધી કઈ રીતે પહોચાડવી એ જોવાનું છે. હવે ભાજપની જવાબદારીઓ વધી ગઈ છે અને સાથે જ લોકોની અપેક્ષાઓને પૂર્ણ કરવાની છે, એમ તેમણે કહ્યું હતું.