ગુજરાતના ટ્રાફિક જવાનો ઉતર્યા હડતાલ પર

અમદાવાદ: ગુજરાતમાં ફરજ બજાવતા ટીઆરબી ટ્રાફિક જવાનો આજથી હડતાળ પર ઉતરી ગયા છે. વેતનમાં વધારો કરવાની માંગ સાથે જવાનો હડતાળ પર ઉતરી જતા શહેરમાં ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે. અમદાવાદના વાડજ તેમજ આરટીઓ સહિતના માર્ગો પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાતા લોકોને હેરાનગતિ થઈ રહી છે.

અમદાવાદમાં પાછલા કેટલાક સમયથી ટ્રાફિકની સમસ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. શહેરના ગાંધી આશ્રમ રોડ પર વાહનોની અવર-જવર રહેતી હોય છે. જ્યારે ટ્રાફિક જવાનો હડતાલ પર ઉતરતા ભારે ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે. ઓફિસ જવાના સમયે ટ્રાફિક વધતા શહેરીજનો હેરાન થઈ ગયા છે. ગુજરાતભરમાં ટીઆરબી જવાનો હડતાળ પર ઉતર્યા છે,આ ટીઆરબી જવાનોની માગ પગાર વધારાની છે. હાલમાં તેઓને રૂપિયા 300નું રોજ લેખે વેતન આપવામાં આવે છે. પરંતુ તેમની માગ છે કે 500 રૂપિયા વેતન આપવામાં આવે જેને લઈ હડતાળ પર ઉતરી ગયા છે. જેને કારણે રાજ્યની ટ્રાફિક વ્યવસ્થા પર મોટા પાયે અસર થઈ છે. શહેરની ટ્રાફિક પોલીસ આ વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ છે જેના કારણે ટ્રાફિક સમસ્યાનું સર્જન થયું છે.

આ હડતાળમાં રાજ્યભરના 6000થી વધુ ટીઆરબી જવાનો હડતાળમાં જોડાયા છે. જેમાં અમદાવાદના 1600 જેટલા જવાનો પણ સામેલ છે. નોંધનીય વાત એ છે કે, ટીઆરબી જવાનોએ ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવવી બંધ કરીને, હડતાળ તરીકે રાજ્યના વિવિધ સ્થળોએ ભેગા થવાનું નક્કી કર્યું છે. હડતાળના ભાગરૂપે અમદાવાદમાં ટીઆરબી જવાનો કલેક્ટર કચેરીએ મોરચો કાઢશે અને આવેદનપત્ર પણ આપી શકે છે.