અમદાવાદ- રાજ્યમાં ચોમાસાની આગળ વધી રહેલી સીઝનમાં મેઘરાજાએ પહેલો વિરામ લીધો છે. જોકે રાજયમાં વરસાદના સાર્વત્રિક વિરામ વચ્ચે ડાંગ જિલ્લામાં હળવો વરસાદ થયો છે. રાજયમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં સાર્વત્રિક વિરામ લીધો છે. છેલ્લાં ચોવીસ કલાક દરમિયાન એટલે કે આજે ૨૩-૭-૧૮ને સવારે ૭ કલાક સુધીમાં ડાંગ જિલ્લામાં હળવો વરસાદ થયો છે. જેમા સુબીર અને વધાઇ તાલુકામાં એક ઈચ જેટલો વરસાદ વરસ્યો છે.
જો કે રાજયમાં વરસાદી માહોલ સાર્વત્રિક જોવા મળી રહ્યો છે. આ સાથે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૩.૦૧ ટકા જેટલો થઈ ગયો છે. સૌથી વધુ વરસાદ 236 ટકા જેટલો દીવમાં નોંધાયો છે.તેના પછી વધુ વરસાદધરાવતા જિલ્લામાં ગીર સોમનાથ, ડાગ, નવસારી અને વલસાડ છે.
તો સૌથી ઓછા વરસાદ ધરાવતા વિસ્તારમાં 32 ટકા સાથે કચ્છ જિલ્લો પ્રથમ છે, જ્યારે તે પછી મોરબી, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને અમદાવાદનો સમાવેશ થાય છે.
હવામાનખાતાની સેટેલાઈટ ઇમેજ પ્રમાણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બંગાળની ખાડીનું ડીપ્રેશન 25 જુલાઈ સુધીમાં ઉત્તર ગુજરાતમાં અને આવતાં અઠવાડિયામાં ગુજરાતના જુદાજુદા વિસ્તારમાં વરસાદનો સેકેન્ડ રાઉન્ડ લાવી શકે તેવી સંભાવના છે.