નાણાં પંચની બેઠકઃ દેશની 5 ટકા વસતી ધરાવતાં ગુજરાતનું જીડીપીમાં 7.6 ટકા યોગદાન

ગાંધીનગર-ગુજરાત રાજ્યના નાણાકીય વ્યવસ્થાપન અને ભાવિ શક્યતાઓના ચિતાર માટે એન.કે.સિંગના અધ્યક્ષસ્થાને ૧૫મું નાણાં પંચ ગુજરાતની મુલાકાતે છે.આ બેઠકમાં નાણાં ફાળવણી તેમ જ જરુરિયાતની માગણીઓ સહિતની અગત્યની ચર્ચાઓ હાથ ધરવામાં આવી શકે છે.ગાંધીનગર ખાતેના મહાત્મા મંદિરમાં મુખ્યપ્રધાન  વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ ઉપરાંત મુખ્ય સચિવ જે.એન.સિંગ સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગુજરાતના નાણાકીય શિસ્ત, વ્યવસ્થાપન અને પડકારો વિશે વિશેષ વિચાર વિમર્શ કરાયો.

મુખ્ય સચિવે ૧૫મા નાણા પંચના સભ્યોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જ્યારે નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલે ગુજરાતની નાણાકીય સિદ્ધિ અને ભાવિ જરૂરિયાતોને ધ્યાને લઇ દ્રશ્ય-શ્રાવ્ય પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. સીએમ રૂપાણીએ ગુજરાતના સુચારુ નાણાં વ્યવસ્થાપન અને સર્વગ્રાહી વિકાસની માહિતી આપી હતી કે દેશની જનસંખ્યાના 5 ટકા વસ્તી ધરાવતું ગુજરાત નેશનલ જીડીપીમાં 7.6 ટકા યોગદાન આપે છે.2017-18ના અહેવાલ અનુસાર ગુજરાત આંતરરાષ્ટ્રીય નિકાસમાં 17 ટકા યોગદાન ધરાવે છે.

ગુજરાતમાં સામાજિક સેવાક્ષેત્રો,શિક્ષણ, આરોગ્ય, ગ્રામ્ય પાણીપુરવઠો, વીજળી, રોડ નેટવર્કની ઉપલબ્ધિઓ નાણાં પંચ સમક્ષ મૂકતાં 14 નાણાં પંચની ભલામણોના ગુજરાતમાં અમલનો રીપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. ગુજરાતની ફિસ્કલ ડેફિસિટ 2016-17માં ઘટી 1.42 ટકા થઇ છે અને રેવન્યૂ સરપ્લસ સ્ટેટ હોવાનું જણાવાયું હતું.નાણાં પંચ  સમક્ષ સૂચન કરવામાં આવ્યું હતું કે શહેરીકરણના વધતા વ્યાપ સામે શહેરી વિસ્તારોમાં માળખાકીય સુવિધા અને નાગરિક સુખસુવિધા વૃદ્ધિના કામોને પણ નાણાં પ્રોત્સાહન આપવાનો પંચના માપદંડોમાં સમાવેશ કરવો જોઈએ.. નશાબંધીનો અમલ કરનારા રાજ્યોને આના પરિણામે થતી મહેસૂલી ખોટ ભરપાઈ કરવા નાણાં પ્રોત્સાહન આપવાની બાબત પણ પંચના માપદંડમાં સમાવિષ્ટ કરાય તો સમ્યક વિકાસની વિભાવના પાર પડશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]