નાણાં પંચઃ રાજ્યોના વિરોધ છતાં 2011 સેન્સસ પ્રમાણે નાણાંની વહેંચણી કરશે

અમદાવાદ- ગુજરાતની મુલાકાતે આવેલ નાણાં પંચની આજે મુખ્યપ્રધાન સહિત રાજ્ય સરકારના વિવિધ પ્રભાગ સાથે મહત્ત્વની બેઠક યોજાશે. રવિવારે દેશની પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ સંસ્થા આઈઆઈએમએમાં મુલાકાત દરમિયાન નાણાં પંચના અધ્યક્ષ એન કે સિંહે જણાવ્યું હતું કે અમુક રાજ્યોના વિરોધ થતાં નાણાંપંચ 2011ની વસતી ગણતરીના આધારે નાણાંની વહેંચણી કરશે.અત્યાર સુધી 1971ના વર્ષની વસ્તીના આધારે રાજ્યોને નાણાં ફાળવણી કરતું રહ્યું છે પણ હાલનું 15મું નાણાં પંચ 2011ની વસતી ગણતરીના આધારે નાણાં વહેચશે. એવા રાજ્યો દ્વારા આ વાતનો વિરોધ થઇ રહ્યો છે કે જેમણે 1971 પથી પોતાના રાજ્યના વસતી વધારા પર કાબૂ મેળવ્યો છે.

15માં નાણાં પંચના અધ્યક્ષ એન. કે. સિંઘે રવિવારે આઇઆઇએમ અમદાવાદના વિદ્યાર્થીઓને “રાજકોષીય સંઘવાદ: તકો અને પડકારો” વિષય પર સંબોધન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે નાણા પંચ 22 જુલાઇથી 25 જુલાઈ સુધી ગુજરાતના પ્રવાસે છે.એન. કે. સિંઘે વિદ્યાર્થીઓને રાજકોષીય સંઘવાદ શું છે, તેના વિવિધ સ્તરો તથા જવાબદારીઓની વહેંચણી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે નાણા પંચની કામગીરી વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કાર્ય હતા. સિંઘે નાણાx પંચ સામે રહેલી તકો અને પડકારો પર વિશેષ ભાર આપતા જણાવ્યું હતું કે, નાણાં પંચ સામે હાલમાં સૌથી મોટો પડકાર “સમાનતાના સંતુલન”નો છે. આ વિષે જણાવતા તેમણે કહ્યું હતું કે અત્યાર સુધીના નાણા પંચ નાણાની વહેંચણી માટે 1972 ની વસતી ગણતરીના આંકડા ધ્યાનમાં લેતા હતા, જ્યારે 15 મું નાણા પંચ 2011 ની વસતી ગણતરીને ધ્યાનમાં લેવાનું છે. જેનાથી એવા રાજ્યો વાંધો ઉઠાવી રહ્યા છે જેમણે 1972 પછી વસતી વધારા પર કાબૂ મેળવવામાં સફળતા હાંસલ કરી છે, કેમ કે આનાથી તેમને નાણાની વહેંચણીમાં અન્યાય થવાનો ભય છે. આ ઉપરાંત તેમણે સારું પ્રદર્શન કરનારા રાજ્યો અને ખરાબ પ્રદર્શન કરનારા રાજ્યો વચ્ચે નાણાની વહેંચણી, સમવર્તી યાદીમાં રહેલા વિષયો અને કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓ સંદર્ભે નાણા પંચ સામે રહેલા પ્રશ્નો અંગે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

નાણાં પંચનાં અધ્યક્ષ એન કે સિંહનાં નેતૃત્વમાં આ પંચ આજે ગુજરાતનાં મુખ્યપ્રધાન,પ્રધાનો અને અન્ય પદાધિકારીઓ સાથે બેઠક કરશે. નાણાં પંચનાં સભ્યો શક્તિકાંત દાસ, ડૉ. અનૂપ સિંહ, ડૉ. અશોક લાહિરી, ડૉ. રમેશચંદ્ર અને સચિવ  અરવિંદ મહેતાની સાથે અન્ય પદાધિકારીઓ પણ આ બેઠકોમાં સામેલ થશે. આ દરમિયાન રાજ્ય સરકારની નાણાકીય સ્થિતિ પર વિસ્તૃત રજૂઆતો થશે. આ પ્રવાસ અગાઉ પંચનાં સભ્યો નવી દિલ્હીમાં ગુજરાતનાં એકાઉન્ટન્ટ જનરલને મળ્યાં હતાં તથા રાજ્યની નાણાકીય સ્થિતિનાં વિવિધ પાસાંઓ અને સામાજિક-આર્થિક સ્થિતિ સાથે સંબંધિત બાબતોને ઊંડાણપૂર્વક સમજ્યાં હતાં.

રાજ્ય સરકાર બેઠકો અને રજૂઆતો કરવા ઉપરાંત પંચને પોતાનાં મુખ્ય કાર્યક્રમોથી વાકેફ પણ કરશે. નાણાં પંચ 24 જુલાઈનાં રોજ ગાંધી આશ્રમમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કરશે. આ જ દિવસે પંચ સરદાર સરોવર બંધ, સ્ટેચ્યુ ઑફ યુનિટી અને ગિફ્ટ સિટીની પણ મુલાકાત લેશે.

નાણાં પંચ વિવિધ રાજકીય પક્ષનાં નેતાઓ તથા વેપાર અને ઉદ્યોગજગતનાં પ્રતિનિધિઓ સાથે બેઠકો પણ કરશે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]