ગાંધીનગરઃ ગુજરાત પરંપરાગત રીતે પાણીની અછત ધરાવતું અને વારંવાર દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરતું રાજ્ય છે. રાજ્યના મોટા ભાગના જળસ્ત્રોતો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આવેલાં છે જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, અને ઉત્તર ગુજરાત પાણીની અછત અનુભવે છે. ત્યારે ઘણાં વિસ્તારમાં વ્યાપકપણે કેનાલોમાંથી પાણી ચોરીની ગેરરીતિઓ થતી અટકાવવા માટે સરકાર અતિકડક બિલ પાસ કરી ચૂકી છે.
અછતગ્રસ્ત વિસ્તારની પાણીની જરૂરિયાતને અનુલક્ષીને સરકારે રાજ્ય વ્યાપી વૉટર ગ્રીડનું આયોજન અને અમલીકરણ કરેલ છે. મધ્ય ગુજરાતમાં આવેલા ડેમમાંથી પાણી ઉપાડીને કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના સૂકા વિસ્તારમાં પહોંચાડવામા આવી રહ્યુ છે. આ વોટર ગ્રીડના વ્યાપક કવરેજ અંતર્ગત બલ્ક પાઇપ લાઇન અને વિતરણ પાઇપલાઇન દ્વારા સેંકડો કીલોમીટર લાંબી વિતરણ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે.
આજે જયારે સરકાર દ્વારા ઊભી કરવામાં આવેલ પાણી વિતરણની વ્યવસ્થા ગામે-ગામ પહોંચી છે ત્યારે એ પણ જરૂરી છે કે પાણીનું વિતરણ અને તેનો ઉપયોગ શિસ્તબદ્ધ રીતે થાય અને તમામને સરખી માત્રામાં નિયમિત પાણી મળી રહે. કમનસીબે, કેટલાક વપરાશકારો દ્વારા પાણી અનઅધિકૃત રીતે મેળવવામાં આવી રહેલ છે અથવા જો અધિકૃત જોડાણ છે તો જરૂરિયાત કરતા વધારે પાણી ઉપાડવામાં આવી રહેલ છે. એવા ઘણા ઉદાહરણો છે કે, જેમાં પાણીની વિતરણ વ્યવસ્થાની છેડછાડને કારણે નુકસાન થતા સમગ્ર વિતરણ વ્યવસ્થા પડી ભાંગી હોય. પરિણામે, અંતિમ વપરાશકર્તા પાણીથી વંચિત રહી જાય તેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે. આ તમામ પરિબળો તથા જળ સુરક્ષા સામેના જોખમોને અનુલક્ષીને આ રીતની અનઅધિકૃત અને અયોગ્ય પ્રવૃત્તિઓને રોકવી ખૂબ જરૂરી હતી. આ માટે સખત માપદંડો ઘડવાની પણ તાતી જરૂરિયાત હતી. આથી એક કાયદાકીય પદ્ધતિ દ્વારા આ રીતની પ્રવૃતિઓ રોકવા માટે તેમજ જળ સુરક્ષા તરફ નક્કર પગલાં લેવા માટે ઘરવપરાશના પાણીના વિતરણ બાબતે એક કાયદો ઘડવાનું નક્કી કરવામાં આવેલ.
આ વિધેયક દ્વારા પાણીની વિતરણ વ્યવસ્થાને સુરક્ષિત કરવા માટેના તમામ પાસાઓને આવરી લેવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ કે જેના દ્વારા પાણીની વિતરણ વ્યવસ્થાને નુકસાન કરવામાં આવે કે અનઅધિકૃત રીતે પાણી મેળવવામાં આવે તે વ્યકિત આ કાયદા મુજબ સજાને પાત્ર રહેશે. સજાની જોગવાઇથી લોકો આવી અનઅધિકૃત પ્રવૃતિઓ કરતા અટકશે. આ એક્ટ અન્વયે વૉટર ડિસ્ટ્રીબ્યુશન ઓથોરિટી દ્વારા પાણીના અનઅધિકૃત જોડાણ અને ઉપયોગ અન્વયે દંડ અને થયેલ નુકસાનની ભરપાઈની જોગવાઈ કરવામાં આવેલ છે. સાથે સાથે આ એક્ટમાં પાણીના સ્ત્રોતને આરક્ષિત કરવાની જોગવાઈ પણ કરવામાં આવેલ છે. આ વિધેયક દ્વારા પાણીના ઘર વપરાશ બાબતે થઇ રહેલ અનઅધિકૃત પ્રવૃતિઓ પર રોક લાગશે અને ખરા અર્થમાં પીવાના પાણીના સમાન વિતરણ વડે લોકો શુદ્ધ અને પૂરતું પાણી નિયમિત રીતે મેળવી શકશે જે રાજ્યના આર્થિક તેમજ સામાજિક વિકાસમાં ખૂબ જ મદદરૂપ થશે.
આ વિધેયક હેઠળ કરેલ જોગવાઈ મુજબ, સ્થાનિક સત્તા મંડળ, મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયતો, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અને ગુજરાત વૉટર ઇન્ફ્રાસ્ટ્રચર લિમિટેડ તેમજ રાજ્ય સરકાર ધ્વારા અધિકૃત કરાયેલ એજન્સી દ્વારા તેમના સંલગ્ન અધિકારક્ષેત્રમાં આવતી જાહેર પાણી વિતરણ વ્યવસ્થાનું સમાવેશ કરવામાં આવેલ છે. સ્થાનિક સત્તામંડળોનો સત્તાધિકાર તેમની સ્થાનિક લિમિટ સુધી જયારે બોર્ડ અને GWIL ને સંપૂર્ણ રાજ્યમાં આવી વ્યવસ્થા કરવાની સત્તા મળે છે.
આ વિધેયકમાં પાણી વપરાશ જવાબદારી પૂર્વક થાય તે માટે સ્ત્રોત ઉપર મીટરિંગ તેમજ સ્ત્રોત અને વિતરણ વ્યવસ્થાની ઑડિટિંગની જોગવાઈ પણ રાખવામાં આવેલ છે. આ જોગવાઇથી દરેક જાહેર પાણી વિતરણ વ્યવસ્થા દ્વારા વિતરણ કરવામાં આવેલ પાણીના ચોક્કસ હિસાબ થવાથી પાણી વિતરણની કાર્યક્ષમતામાં સુધારો થશે. વિધેયકની કલમ 10 માં એવા કૃત્યો ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે કે જે પાણી વિતરણ વ્યવસ્થાને નુકસાન દાયક છે અથવા પાણીચોરીને લગતું છે. આવી જોગવાઇઓનો કોઇ ભંગ કરે તો તેના માટે જેલની સજા અથવા દંડ, અથવા બંન્નેની સજા થઇ શકે તેવી જોગવાઇઓ કરવામાં આવી છે.અલગ-અલગ પધ્ધતિ અને હેતુ માટેની અલગ-અલગ પ્રમાણમાં જેલની સજા-જોગવાઇઓના ભંગ માટે સજા અને દંડની રકમની જોગવાઈઓ આ વિધેયકમાં કરવામાં આવી છે. આવી જોગવાઈઓ ટૂંકમાં નીચે મુજબ છે.
પ્રસ્તુત વિધેયકથી ઓથોરીટી દ્વારા અધિકૃત કરેલ અધિકારી કોઇપણ સ્થળ કે જ્યાં પાણીની વિતરણ વ્યવસ્થા હોય ત્યાં સોર્સમાંથી અનઅધિકૃત રીતે પાણીનો ઉપાડ થતો હોય તેવુ જણાય ત્યારે તેવી તમામ જગ્યાએ સ્થળ તપાસ કરી શકશે. તદ્દઉપરાંત, આ વિધેયકમાં માલસમાનની જપ્તી કરી શકે તેવી જોગવાઇ પણ કરવામાં આવેલ છે. નુકશાનની રક્મનું મૂલ્યાંકન કરી ગુનો કરનાર પાસેથી તે રકમ વસુલ કરવા માટે હુકુમ કરવાની તથા આવી કાર્યવાહીના સંદર્ભમાં અપીલ કરવાની જોગવાઇ છે. રાજ્ય સરકાર ધ્વારા પાણી સંરક્ષણ માટે આ વિધેયક પાણીનો બગાડ અને પાણીની ચોરી અટકાવવામાં ખુબ જ મદદરૂપ પુરવાર થશે જેનાથી આગામી સમયમાં રાજ્યના દરેક વિસ્તારો અને દરેક લોકોને શુધ્ધ, નિયમીત અને પુરતુ પાણી પહોંચાડી શકાશે સરકારને અપેક્ષા છે કે લોકો ધ્વારા સરકારના આ સરાહનીય પગલાને વ્યાપક પ્રમાણમાં આવકાર મળશે.