ગુજરાતમાં ઉનાળાના વેકેશનને ધ્યાનમાં રાખીને રાજ્યના નાગરિકો મુસાફરીનો આનંદ માણી શકે તે માટે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.) દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ, એસ.ટી. નિગમ રાજ્યના મુખ્ય શહેરોને જોડતી રોજની 1400થી વધુ વધારાની બસો દોડાવશે. આ સેવાઓ મુસાફરોને સલામત, સમયસર અને સરળ મુસાફરીની સુવિધા પૂરી પાડવા માટે ખાસ તૈયાર કરવામાં આવી છે.
આયોજન અંતર્ગત, સુરતથી સૌરાષ્ટ્ર તરફ દરરોજ આશરે 500 ટ્રિપ્સ, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત તરફ 210 ટ્રિપ્સ, દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ 300-300 ટ્રિપ્સનું સંચાલન થશે. આ ઉપરાંત, ગુજરાતથી મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા પાડોશી રાજ્યો માટે આંતરરાજ્ય બસ સેવાઓ પણ શરૂ કરવામાં આવશે.
નાગરિકો પ્રવાસન અને ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકે તે માટે વિશેષ ટ્રિપ્સનું આયોજન કરાયું છે. અમદાવાદથી અંબાજી, સોમનાથ, દ્વારકા માટે રોજની 10 ટ્રિપ્સ, ડાકોર, પાવાગઢ, ગીરનાર માટે 5 ટ્રિપ્સ, તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણગીર, સાપુતારા, દીવ અને કચ્છ જેવા પ્રવાસન સ્થળો માટે 5થી 10 ટ્રિપ્સ દરરોજ ઉપલબ્ધ રહેશે. આંતરરાજ્ય પ્રવાસ માટે માઉન્ટ આબુ, સુન્ધામાતા, શિરડી, નાશિક જેવા સ્થળો માટે અમદાવાદથી રોજની 2 ટ્રિપ્સની સુવિધા રહેશે. આ બસો ગીતા મંદિરથી ઉપડશે.
