પીડિતાના પરિવારના મારથી દુષ્કર્મના આરોપીના મોત મામલે ધરપકડો

રાજકોટ- શહેરમાં મોબ લિચિંગનો એક મામલો સામે આવ્યો છે. જેમાં એક કિશોરી સાથે બળાત્કારના આરોપીને ટોળા દ્વારા માર મારવામાં આવ્યો છે. આ ઘટનામાં આરોપીનું મોત થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે, દુષ્કર્મનો ભોગ બનનાર કિશોરીના પિતા અને અન્ય સંબંધીઓ દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો. પોલીસ પાસેથી ન્યાય મળવાની આશા ન હોવાને કારણે આ લોકોએ જાતે જ આરોપીને સજા આપવાનો નિર્ણય કરી લીધો હતો. હાલ તો પોલીસે હત્યાના આરોપમાં પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી છે.

શહેરના કોઠારિયા વિસ્તારમાં રહેતા દિવ્યેશ પર એક કિશોરી પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ હતો. દિવ્યેશ ઘડિયાળ બનાવતી એક કંપનીમાં કામ કરતો હતો અને ફેસબુકના માધ્યમથી કિશોરીના સંપર્કમાં આવ્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર આ યુવકે સુરેન્દ્ર નગર જિલ્લાના ચોટીલામાં કિશોરી સાથે બળજબરીથી સંબંધ બનાવ્યો હતો. આ મામલે ભોગબનનાર કિશોરીના પરિવારજનોએ 13 એપ્રિલના રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, દિવ્યેશે કિશોરી સાથે 2 વખત બળાત્કાર ગુજાર્યો હતો.

જાણકારી અનુસાર રાજકોટ પોલીસે આરોપી દિવ્યેશ વિરુદ્ધ પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ એક્ટ) અને જૂદી જૂદી આઈપીસીની કલમો હેઠળ ફરિયાદ નોંધી હતી. જો કે, પીડિતાના પિતા અને અન્ય સંબંધીઓ પોલીસની આ કાર્યવાહીથી ખુશ ન હતાં. ત્યાર બાદ પીડિતાના પિતા અને અન્ય સંબંધીઓએ મળીને 23 એપ્રિલના રોજ દિવ્યેશને પકડીને એક ફેક્ટ્રીમાં લઈ ગયા હતાં.

પોલીસના જણાવ્યા અનુસાર પીડિતાના પરિવારજનો આરોપીને બાલાજી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ-2 સ્થિત એક ફેક્ટ્રીમાં લઈ ગયા હતાં. જ્યાં આરોપીને બેરહેમી પૂર્વક માર માર્યો હતો. ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસે દિવ્યેશને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. દિવ્યેશ 23 એપ્રિલથી જ વેન્ટિલેટર પર હતો અને તેમને 1 મેના રોજ જીવ ગુમાવ્યો હતો. પોલીસે કિશોરીના પિતા સહિત 4 અન્ય સંબંધીઓની હત્યાના આરોપમાં ધરપકડ કરી છે.