ગુજરાત બનશે પોલેન્ડના કાર્યક્રમમાં સહઆયોજક

ગાંધીનગર- ઓક્ટોબર 2018માં પોલેન્ડની સ્વતંત્રતા શતાબ્દિ ઉજવણી થવાની છે. જેમાં આયોજિત કાર્યક્રમોમાં ગુજરાતનો યુવા સાંસ્કૃતિક વિભાગ સહઆયોજક તરીકે જોડાશે.પોલેન્ડના ભારત સ્થિત રાજદૂતે આ સંદર્ભે વ્યક્ત કરેલા પ્રસ્તાવનો સ્વીકાર કરતાં ગુજરાત સરકારે આ નિર્ણય લીધો છે.  પોલેન્ડના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત એડમ બુરાકોવસ્કીએ તાજેતરની મુલાકાત દરમિયાન આ પ્રસ્તાવ મૂક્યો હતો. જેને લઇને વિભાગને સહઆયોજક તરીકે જોડાવા પોલેન્ડ સાથે સમજૂતી કરાર કરવાની અનુમતિ મળી છે.

ઉલ્લેખનીય છે કે, બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન સાઇબિરીયાથી છોડાયેલા ૬ હજાર જેટલા પોલિશ નિરાશ્રીતોને નવાનગરના મહારાજા દિગ્વીજયસિંહજી જામસાહેબે આશ્રય આપ્યો હતો અને તેમનું રક્ષણ કર્યુ હતું. આ સંબંધોને સાંસ્કૃતિક, ઐતિહાસિક વારસાના પરિપ્રેક્ષ્યમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રૂપે પોલેન્ડની સ્વતંત્રતાની શતાબ્દી અવસરે દિલ્હી અને વિશ્વના અન્ય ભાગોમાં ઊજાગર કરવામાં આવશે. ‘જનરેશન ટૂ જનરેશન’ના વિષયવસ્તુ સાથે આ સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરાશે. ગુજરાતનો રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ આ કાર્યક્રમના આયોજન તેમ જ પ્રચારપ્રસાર માટે પોલેન્ડને સહયોગ કરશે.

પોલેન્ડના શરણાર્થીઓને પ્રેમ-હૂંફ આપવાની અંજલિ રૂપે પોલેન્ડના વર્સોવમાં એક સ્કૂલનું નામાભિધાન મહારાજા જામ સાહેબ દિગ્વીજયસિંહ હાઇસ્કૂલ રાખવામાં આવ્યું છે.