‘જય હિંદ’ નામે વેચાતી આ ઉપયોગી વસ્તુની જાણ છે?

અમદાવાદ-‘જય હિંદ’ શબ્દ સાથે દેશપ્રેમનો ભાવ અનુભવાય તે સ્વાભાવિક છે. આ શબ્દ સાથે જોડી ગુજરાતના ગ્રામીણજનો માટે આરામનો અનુભવ કરાવતો એક સરસ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. ગુજરાતની જાહેરક્ષેત્રની કંપની જીએનએફસી દ્વારા સસ્તી કીમતની મેટ્રેસીસ-ગાદીઓ બનાવવાનો જય હિંદ મેટ્રેસીસ પ્રોજેક્ટ શરુ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ અને અગ્રણી પોલિયુરેથિન કંપનીની આ યોજના હાલ ખાસ પાઇલોટ પ્રોજેક્ટના સ્તર પર છે પણ તે સફળ થશે તો એ દિવસો દૂર નથી જ્યારે ગ્રામીણ ગુજરાતના લોકોને પણ બજારમાં મોંઘી મળતી પીયુ ફોમ મેટ્રેસીસ સસ્તા ભાવે મળશે. ગ્રામીણોની જીવનશૈલીમાં આ ગુણાત્મક ફેરફાર લાવનાર પ્રોજેક્ટ હોવાનું માનવામાં આવે છે.

જય હિંદ મેટ્રેસીસના નામથી હાલમાં સસ્તી ફોમ ગાદીઓ કેટલાક ગ્રામ્યવિસ્તારમાં રીલીઝ થઇ છે જેમાં ગ્રામજનોને આરામદાયક નિદ્રાનો અનુભવ મળી રહ્યો છે. મોટેભાગે આપણા દેશની 65 ટકાથી વધુ વસ્તી હાથબનાવટની ગોદડીઓ, દરી, ચટ્ટાઇ પર રાતની ઊંઘ ખેંચે છે. જે નિયમિત અંતરે ધોવામાં ન આવે તો અસ્વચ્છતા અને માંકડ કે એવા ઉપદ્રવી જંતુઓની ઉત્પત્તિનું સ્થાન બની રોગ ફેલાવે છે.

નાણાંનું સારું મૂલ્ય આપતી હોવા છતાં ગ્રામીણ ઘરોમાં વ્યાપકરુપે ન પહોંચી શકતાં જીએનએફસી દ્વારા ટોચના ગાદલાં નિર્માતાં કંપની સ્લીપવેલ સાથે ટાઇઅપ કરવામાં આવ્યું છે. ગામડાંઓમાં મોટી પહોંચ ધરાવતી નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર અને ગ્રામ સુવિધા કેન્દ્રોમાં સ્વૈચ્છિકપણે વેચાણકર્તાઓ સુધી સસ્તાં ગાદલાં પહોંચાડાશે. જીએનએફસીનો આ માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. ગ્રામીણ ગ્રાહકોમાં ગાદલાંની પહોંચ વધારવા સ્લીપ વેલનો સહયોગ પણ મોટો લાભ આપનાર બનશે. ભારતીય ગાદલાં બજાર આશરે 9000 કરોડનું છે તેમાં આ નવી બજાર ઊભી કરાતાં વેપાર વિસ્તરણની મોટી તક છે. જીએનએફસીના ભરુચ પ્લાન્ટમાં વાર્ષિક 15,000 મેટ્રેક ટન અને દહેજમાં 50,000 એમટીપીએની સ્થાપિત ક્ષમતા છે.