ગાંધીનગર- ડિજીટલ ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકારે આજે વધુ એક નક્કર કદમ ઉપાડ્યુ છે. જેમાં નેશનલ ફેમીલી બેનીફીટ યોજનાના લાભાર્થીઓને મળતી સહાય ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફરથી તેમના ખાતામાં ચૂકવવામાં આવશે.
સરકારી યોજનાના લાભો સીધા જ જરૂરિયાત મંદોને મળે તે માટે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ દ્વારા લાભાર્થીઓને મળતી સહાય સીધી ખાતામાં જમા થશે. આ યોજના હેઠળ ૧૭૮૨ લાભાર્થીઓને રૂા.૩૫૨.૪૦ લાખની રકમ તેમના ખાતામાં સીધી ચૂકવવામાં આવશે. આ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તાર માટે ૦ થી ૨૦ સુધીની બી.પી.એલ. ગુણાંક ધરાવતા પરિવારો અને શહેરી વિસ્તાર માટે શહેરી વિકાસની માર્ગદર્શિકા મુજબના ગુણાંક ધરાવતા બી.પી.એલ. કાર્ડના મુખ્ય કમાઉ વ્યકતિનું કુદરતી કે આકસ્મિક રીતે (સ્ત્રી/પુરુષ)નું મૃત્યુ થાય તો તેવા પરિવારને સહાયરૂપ થવા રૂા.૨૦,૦૦૦ની સહાય અપાય છે.
સામાજિક ન્યાય અધિકારીતા પ્રધાન ઇશ્વરભાઇ પરમારે જણાવ્યુ કે, રાજ્ય સરકારના સમાજકલ્યાણ વિભાગ હસ્તકની કેન્દ્ર અને રાજ્ય પુરસ્કૃત નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાના ૯૧,૦૨૨, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના ૬૧૧૩૫૮, સંત સુરદાસ યોજનાના ૩૭,૮૦૧, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગ પેન્શન યોજનાના ૯,૯૯૨, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાના ૨૩૯૬ અને પાલક માતાપિતા યોજનાના ૯,૯૯૪ મળી કુલ ૭,૫૨,૫૬૩ લાભાર્થીઓને મળતી સહાય ડી.બી.ટી. દ્વારા તેમના ખાતામાં જમા કરાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૭-૧૮માં ૫,૮૩૪ લાભાર્થીઓને ૧૧૬૧.૭૧ લાખની સહાય જિલ્લા કક્ષાએથી ચૂકવાતી હતી. રાજ્ય સરકાર દ્વારા આ સહાય વર્ષ ૨૦૧૮-૧૯ થી ડિજીટાઇઝ કરવામાં આવી અને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા બદલ ભારત સરકાર દ્વારા તાજેતરમાં રાષ્ટ્રીય સામાજિક સહાયતા ક્ષેત્રે ઉમદા કામગીરી માટે ગુજરાતને પ્રથમ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.