તમામ વિભાગોની ખરીદી હવે ગવર્નમેન્ટ ઇ-માર્કેટ પ્લેસ દ્વારા કરાશે

ગાંધીનગર- રાજ્ય સરકારના તમામ વિભાગો હવેથી કોઇપણ ખરીદી ગવર્નમેન્ટ ઇ-માર્કેટ પ્લેસ (GeM)  દ્વારા કરશે તેમ, મુખ્ય સચિવ જે.એન.સિંગે જણાવ્યું હતું. મહાત્મા મંદિર ખાતેથી ૬ સપ્તાહ માટે GeMનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. GeM ના પ્લેટફોર્મ સિવાય કોઇપણ વસ્તુની ખરીદી કરવાની જરૂરિયાત જણાશે તો તે અંગે જે તે વિભાગે ઉદ્યોગ વિભાગ પાસે તે અંગેની મંજૂરી લેવી પડશે.રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ગર્વમેન્ટ ઈ-માર્કેટ પ્લેસ (GeM) બાબતે જાગૃત્તિ ફેલાય તેવા ઉદ્દેશથી સમગ્ર દેશમાં 6 સપ્ટેમ્બર થી 17 ઓક્ટોબર સુધી ઝુંબેશ હાથે ધરવામાં આવી છે. જેમાં વર્કશોપ, રોડ-શો, ઈવેન્ટ્સ અને અન્ય માહિતી, શિક્ષણ અને સંચારની પ્રવૃત્તિઓ સહિત ખરીદદારો અને વેચાણકારોની નોંધણીનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે GeMના CEO રાધા ચૌહાણે GeM અંગેની વિગતો રજૂ કરીને તેનાથી થનારા ફાયદા જણાવ્યા હતા. GeMના પ્લેટફોર્મની મદદથી સરકારી વિભાગોને ખરીદીમાં પારદર્શિતા અને ઝડપ આવશે તેમ પણ તેમણે કહ્યું હતું.

કેન્દ્રીય, રાજ્ય અને સ્થાનિક એજન્સીઓ દ્વારા ઑન-બોર્ડિંગ અને ખરીદીમાં વધારો કરવા માટે ગ્રાહક નોંધણી ડ્રાઇવ પણ લોન્ચ કરવામાં આવી હતી.

GeMનો મુખ્ય ઉદ્દેશ કોમન ગુડ્ઝ એન્ડ સર્વિસ માટેની સુવિધાઓ વન-સ્ટોપ ઓનલાઈન માર્કેટ પ્લેસ પૂરી પાડવાનો છે. તેમજ સરકારી પદ્ધતિઓને સંપૂર્ણપણે પારદર્શી બનાવવાનો અને તેની કાર્યક્ષમતામાં વધારો કરવાનો છે. અહીં તમામ ટ્રાન્ઝેક્શન સલામત અને સુરક્ષિત રહે છે.

કોમર્સ અને ઈન્ડસ્ટ્રીઝ પ્રધાન સુરેશ પ્રભુએ આ ઝુંબેશને વિશે જણાવ્યું હતું કે,  GeM ના ઉપયોગથી ઓછા દરે, ઓછા સમયમાં વધારે સારી ગુણવત્તા પ્રાપ્ત થશે. જેનો મુખ્ય ઉદ્દેશ જટીલ પદ્ધતિઓની સામે પબ્લિક પ્રોક્યોરમેન્ટનું સરળીકરણ કરવાનો છે.

અત્યાર સુધીમાં ગુજરાતમાં 901 પ્રાઈમરી અને 2003 સેકન્ડરી ખરીદદારો અને 3640 વેચાણકારો અને સર્વિસ પ્રોવાઈડર્સ દ્વારા ઓનલાઈન પરચેઝ માટે રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. 17 સપ્ટેમ્બર સુધીમાં 3321 વેચાણકારો દ્વારા કુલ રૂ. 246.53 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન પણ કરવામાં આવ્યાં છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]