ગુજરાતના પુરુષોની ટીમે ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ કબડ્ડી સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો

અમદાવાદઃ કેન્દ્રીય મુલ્કી સેવા અને ક્રિડા સંસ્થાન નવી દિલ્હીના ઉપક્રમે ન્યૂ મલ્ટી પર્પસ હોલ, પરેડ ગ્રાઉન્ડ, દેહરાદુન, ઉત્તરાખંડ ખાતે તારીખ 20થી 24 ફેબ્રુઆરી, 2023 દરમિયાન અખિલ ભારતીય કબડ્ડી ટુર્નામેન્ટ સ્પર્ધા 2022 – 23નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સચિવાલયના પુરુષો અને મહિલાઓની ટીમોએ ભાગ લીધો હતો.

આ ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ ટુર્નામેન્ટમાં ગુજરાતના પુરુષોની ટીમે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને કબડ્ડીમાં રાષ્ટ્રીય કક્ષાએ ત્રીજો ક્રમાંક મેળવી બ્રોન્ઝ મેડલ જીત્યો છે, જ્યારે ગુજરાતની મહિલા ટીમ પ્રથમ વખત ગ્રુપ સ્ટેજ સુધી પહોંચી શકી.

હિતેશ ટોરીયાના નેતૃત્ત્વ હેઠળ જયદીપ ચૌધરી, દિલીપ ચૌધરી, કેતન પટેલ, જીગ્નેશ પટેલ, ઘનશ્યામ પટેલ, યોગેશ પરીખ, અરવિંદ ચૌધરી, વિકાસ પટેલ, અંકિત જોશી, નાગજીભાઈ મીર, અજય ચારેલ, નિખિલ રૂડાણી, વિનેશ ચૌધરીએ ભાગ લીધો હતો. ટીમના મેનેજર તરીકે સંજય બરંડા અને શિરિષ સંગાડાએ પ્રતિનિધિત્ત્વ કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસમાં કબડ્ડીમાં ગુજરાતે પ્રથમ વખત મેડલ પ્રાપ્ત કરીને નવો ઇતિહાસ રચ્યો છે.

પુરુષોની સાથે મહિલાઓએ પણ કબડ્ડી ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં જયા ખાંટનાં નેતૃત્ત્વમાં દર્શના પટેલ, નૂતન માલવિયા, પારુલ નિનમા, સીમા શાહ, મોંઘી ચૌધરી, ઉર્વિશા ઝાલા, વર્ષા સિસોદિયા, જાગૃતિ પટેલ, તેજલ ચૌહાણ, હર્ષા ઠાકોર, વેજલ પટેલ, શ્રદ્ધા બારડે ભાગ લીધો હતો. મેનેજર તરીકે ઉમાબેન કાતરીયા હતાં.

દેહરાદૂન ખાતે કબડ્ડીની નેશનલ ઇવેન્ટમાં ભાગ લેતા પૂર્વે ગુજરાતના પુરુષ અને મહિલા ખેલાડીઓ માટે સ્પેશિયલ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી વર્ષે યોજાનાર કબડ્ડીની નેશનલ ઇવેન્ટમાં ગુજરાતની ટીમ વધુ સારું પ્રદર્શન કરે તે માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.