ગાંધીનગર- વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન સયાજીગંજ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય જીતેન્દ્રભાઇ સુખડિયાના રાજ્યમાં જીન બેન્ક સંદર્ભના પ્રશ્નનો પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પ્રત્યુત્તર પાઠવતાં જણાવ્યું કે જીનબેન્કમાં 3000થી વધુ પ્રજાતિના ડીએનએના બારકોડિંગ કરવામાં આવ્યાં છે.ગુજરાત બાયોટેકનોલોજી રીસર્ચ સેન્ટર દ્વારા જીનબેન્ક સ્થાપવામાં આવી છે. આ ડી.એન.એ. બેન્કમાં પ્રાણીઓ, વનસ્પતિ અને સૂક્ષ્મ જીવાણુઓ સહિતના સજીવોના ૩,૬૨૬ સેમ્પલનું અત્યાધુનિક પદ્ધતિથી બેન્કિંગ કરવામાં આવ્યું છે.
તેમ જ આ બેન્ક દ્વારા ૧૫ જીનોમ, ૩૫ મેટાજીનોમ, ૨૪ ટ્રાન્સક્રીપ્ટોમ અને ૩૦ એક્ઝોમનું પણ સીકવન્સીંગ કરાયું છે. બેન્ક દ્વારા ૮,૬૭૯ થી વધારે જીન સીકવન્સનું બેન્કીંગ પણ કરાયું છે. આ ઉપરાંત ગુજરાત બાયોટેકનોલોજી રીસર્ચ સેન્ટર દ્વારા ગુજરાતની વિવિધ પ્રજાતિઓના ૩,૦૦૦ થી વધારે ડી.એન.એ. બારકોડીંગ કરાયું છે.
રણની રેતી હોય કે સમુદ્રના તળિયાની માટી હોય કે પછી ગમે તેવા ચબરાક ગુનેગાર હોય બાયો ટેકનોલોજી તેમની મૂળગત ઓળખ કરી આપે છે. ફોરેન્સિક સાયન્સિસ ક્ષેત્રે બાયો ટેકનોલોજીએ આમૂલ પરિવર્તન આણ્યું છે. ગ્લોબલ વોર્મિંગ ક્ષેત્રથી માંડીને મેડિકલ ક્ષેત્રે બાયો ટેકનોલોજી આશીર્વાદરૂપ છે.