આગામી વર્ષે 5,635 પોલીસની ભરતી થશે: પ્રદીપસિંહ જાડેજા

ગાંધીનગર– ગુજરાતના પોલીસ તંત્રમાં એક જ વર્ષમાં ૧૭,૫૩૨ જગ્યાઓ ભરવામાં આવી છે અને આ વર્ષના બજેટમાં ૫,૬૩૫ નવી જગ્યાઓ ભરવામાં આવનાર છે તેની સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવી છે, એમ ગૃહ રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.ગુજરાતના પી.એસ.આઇ. અને એ.એસ.આઇ.ની ભરતી સંદર્ભે વિધાનસભામાં પ્રશ્નના ઉત્તરમાં ગૃહ રાજ્યકક્ષાના પ્રધાને જણાવ્યું હતું કે, તારીખ ૩૧.૧૨.૨૦૧૭ની સ્થિતિએ રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં પોલીસ દળમાં ૩૪૪ પો.સ.ઇ. અને. ૨૦૦ એ.એસ.આઇ.ની ભરતી કરવામાં આવી છે. ગુજરાતના પોલીસ તંત્રને આધુનિક ટેકનોલોજી સાથે જોડી વધુ કાર્યક્ષમ બનાવવામાં આવ્યું છે. રક્ષાશક્તિ યુનિવર્સિટીની સ્થાપના આ સરકારે કરી સ્કીલ ધરાવતા ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે. તદ્ઉપરાંત ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના માધ્યમથી તમામ ગુનાઓ સમયસર ઉકેલવામાં સફળતા મળી છે અને ઇઝરાયેલ જેવા દેશો ગુનો શોધવા માટે જે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તે જ ટેકનોલોજી ગુજરાતનું પોલીસ તંત્ર કરી રહ્યું છે.

ગુજરાતના પોલીસ તંત્રમાં ભરતીની વધુ વિગતો આપતાં પ્રદીપસિંહે જણાવ્યું હતું કે, મોડ-૧માં ૫૦ ટકા સીધી ભરતીથી, મોડ-રમાં ૩૦ ટકા ભરતી પોલીસ વિભાગ દ્વારા, જ્યારે ૨૦ ટકા ભરતી એ.એસ.આઇ.માં પાંચ વર્ષના અનુભવી પોલીસ કર્મચારીને બઢતીની પરીક્ષા દ્વારા ભરતી કરાય છે.

મહિલા સશક્તિકરણની શરુઆત આ ભાજપ સરકારે કરી છે અને ૩૩ ટકા જગ્યાઓ મહિલાઓની હોય છે. ત્યારે ભરતી થયેલ સર્વર્ગમાં પી.એસ.આઇ., એ.એસ.આઇ. અને બિનહથિયાર ધારીમાં ૪૦૫ ભરતીમાંથી ૧૩૯ મહિલાઓની ભરતી કરાઇ છે.

વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળમાં રાજ્યમાં પોલીસ વિભાગમાં ભરતી અંગેના પ્રશ્નના જવાબમાં ગૃહ રાજ્યકક્ષાના પ્રધાને જણાવ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની ઉત્તમ સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે તેને વધુ અસરકારક બનાવવા પોલીસની ભરતીમાં કોઇ સમાધાન કરવામાં નહી આવે. રાજ્યના અંદાજપત્રમાં આગામી વર્ષમાં ગૃહ વિભાગ દ્વારા ૫,૬૩૫ પોલીસની ભરતી માટેનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યના પોલીસ તંત્રમાં ૨૬,૬૬૭ પોલીસની ભરતી કરવામાં આવી છે. પોલીસ તંત્રમાં મહત્વની ગણાતી પોલીસ ચોકીના મકાનોનું રીનોવેશન ઝડપથી હાથ ધરીને તેનું આધુનિકીકરણ કરવામાં આવશે. પોલીસ તંત્રમાં રહેણાંક અને બિન રહેણાંક એમ બે પ્રકારે સ્ટ્રક્ચરોનું નિર્માણ કરવામાં આવે છે. જેના ભાગરૂપે પ્રથમ તબક્કામાં પોલીસ મથકોનું અને બીજા તબક્કામાં પોલીસ ચોકીઓનું રીનોવેશન હાથ ધરવામાં આવે છે. પોલીસ આવાસ નિગમ દ્વારા રૂા.૨૩૪ કરોડના ખર્ચે આ પ્રકારના રહેણાંક અને બિન રહેણાંક સ્ટ્રક્ચરોનું નિર્માણ, રીનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

અમદાવાદ શહેરમાં ક્રીમીનલ પ્રવૃત્તિઓ નાથવા પી.સી.આર. વાનને સી.સી.ટીવી કેમેરા સાથે કનેક્ટ કરી અસરકારક સર્વેલન્સ નેટવર્ક ઉભું કરવામાં આવ્યું હોવાથી હવે ગુના ઝડપથી ડીટેક્ટ થવા લાગ્યા છે. ક્રાઇમ થયા બાદ તેને ડીટેક્ટ કરવામાં અમદાવાદ શહેર પોલીસની કામગીરી અવ્વલ રહી હોવાનું પ્રદીપસિંહે જણાવ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]