8માં GIS એવોર્ડ્સ ૨૦૧૯ના નામાંકનનો પ્રારંભ, ઇનોવેશન્સ એવોર્ડ અપાશે

અમદાવાદ: ગુજરાત ઇનોવેશન સોસાયટીના ૯માં સ્થાપનાદિન નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર એચ. પુરુષોથમના હસ્તે ૮માં GIS એવોર્ડ્સ ૨૦૧૯ના નામાંકનનો શુભારંભ કરવામાં આવ્યો. આ નામાંકન પ્રક્રિયા ૧૫ એપ્રિલથી ૧૫ જુલાઇ ૨૦૧૯ સુધી ખુલ્લી રહેશે.

ગુજરાત ઇનોવેશન સોસાયટીના ચેરમેન સુનિલ શાહે જણાવ્યું કે વર્ષ ૨૦૧૨થી GIS એવોર્ડનો આરંભ કરવામાં આવ્યો હતો. GIS એવોર્ડ્સ આજે પોતાની આગવી છાપ અને વિશ્વાસનીયતા ધરાવે છે. ગુજરાત ઇનોવેશન સોસાયટી તરફથી પ્રતિ વર્ષ ૧૫ એવોર્ડ્સ એનાયત કરવામાં આવે છે.

NRDCના ચેરમેન પુરુષોથમએ જણાવ્યું હતું કે સમાજ અને ખાસ કરીને ઉદ્યોગને સતત વૃદ્ધિ તરફ લઈ જવા માટે ઉત્પાદન પ્રક્રિયા તેના માર્કેટિંગ અને વિતરણ વ્યવસ્થા વિષે સતત નવું વિચારતા રહેવું જોઈએ. આજના સંદર્ભે સ્ટાર્ટ-અપને વધુ પ્રાધાન્ય આપવું તે પણ એક ઇનોવેશનની જ પ્રક્રિયાનો ભાગ છે તેવું આપણે સૌએ સમજવું રહ્યું.

તેમણે વધુમાં જણાવ્યું કે GISના સહયોગથી ગુજરાતનાં વિવિધ ઔદ્યોગિક ક્લસ્ટરમાં ટેક્નોલોજી ટ્રાન્સફર માટેના સેમિનારનું આયોજન આગામી સમયમાં કરવામાં આવશે.

છેલ્લા ત્રણ વર્ષથી GIS એવોર્ડ્સના નામાંકનથી લઈ પરિણામ સુધીની તમામ પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવે છે. PwC જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થા નોલેજ પાર્ટનર તરીકે સમગ્ર પ્રક્રિયા ઓડિટ કરી નિષ્પક્ષતા સાથે પરિણામ પ્રક્રિયા પૂર્ણ કરે છે.

જેઓએ ઇનોવેશન ક્ષેત્રના વિકાસ અર્થે જીવનના બે થી વધુ દશકાઓ સમાજ માટે ન્યોછાવર કરેલ છે તેઓને “ગુજરાત રત્ન એવોર્ડ” થી સન્માનવામાં આવે છે.  જેઓએ ચોક્કસ સમય મર્યાદાઓમાં ઇન્ડસ્ટ્રીયલ સ્ટાન્ડર્ડ નોર્મ્સ થી પર જઈને વિશેષ ઉપલબ્ધિઓ મેળવેલ છે તેઓને “હર્ક્યુલશ એવોર્ડ” થી સન્માનવામાં આવે છે.

GISની આગવી ઓળખ સમાન અને અત્યંત વિશેષતા સભર “ટ્રેન્ડ સેટર એવોર્ડ” જેઓએ પોતાની દૈનિક પ્રવૃતિઓ; વ્યવસાય થી તદ્દન નવું જ વિચારી પોતાના પ્રયત્નો થકી સમાજ જીવનમાં નવો ચીલો ચાતર્યો હોય એટલે કે નવો ટ્રેન્ડ સેટ કરેલ હોય તેઓને આપવામાં આવે છે. ગત વર્ષે ૩૮૨ નામાંકનો સંસ્થાને મળ્યાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]