અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ વિદેશમાં રહેનારા ગુજરાતી (NRI-Gujarati)ઓ નીકળી પડ્યા છે વતનની વાટે. એનઆરઆઈ ગુજરાતીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા સૂત્ર ‘આ ગુજરાત મેં બનાવ્યું છે’થી પ્રભાવિત થયાં છે. સાથે જ, દુષ્પ્રચારને ટક્કર આપવા પોતાના મતનો ઉપયોગ કરવા ખાસ ગુજરાત આવી રહ્યાં છે.
ગુજરાતની ચૂંટણીમાં પ્રચાર માટે નેતાઓની આવજા શરૂ થઈ ગઈ છે. એક તરફ હજુ તો પક્ષ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારો સામે ક્યાંક ક્યાંક અસંતોષ ચાલી રહ્યો છે. રિસામણા અને મનામણાના સમાચાર આવી રહ્યા છે. આશરે 2 હજાર જેટલા ભાજપના પ્રચારકો અને સમર્થકો ગુજરાત પહોચ્યાં હોવાના અહેવાલ છે. 1 લાખ જેટલા ગ્રીન કાર્ડધારકો વોટ આપવા માટે વિવિધ એરલાઈન્સ દ્વારા ગુજરાત પહોંચી રહ્યાં છે તો ઘણાં પહોંચી ગયાં છે.
ભાજપ અને NRI ગુજરાતી મતદારો
ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન છે અને વિદેશમાં વસતા ગુજરાતીઓની બે પેઢી એવી છે કે જેમણે જૂનું ગુજરાત પણ જોયું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાસનમાં આવ્યા બાદનું ગુજરાત પણ જોયું છે. મોદીએ વિદેશનીતિને મજબૂત કરી દીધા બાદ અમેરિકા સાથે ભારતના સંબંધોએ એક અલગ જ રૂપ અને તાકાત પ્રાપ્ત કર્યા છે, જેનો સીધો ફાયદો સમયાંતરે અમેરિકામાં તથા અન્ય દેશોમાં વસતાં NRI ગુજરાતીઓને મળતો થયો છે. ફ્રેન્ડ્સ ઓફ બીજેપીના નેજા હેઠળ ભાજપે પણ આ મતદારોને પોતાની વોટબેંકમાં સુરક્ષિત કરી દીધા છે. જે આ વખતની ચૂંટણીમાં મતોના સાંકળા માર્જીનના પરિણામવાળી સીટ પર ઘણા કામ લાગી શકે છે. પાટીદાર આંદોલન સમયે પણ ભાજપને જીતાડવામાં આવા પાટીદાર મતો ઘણું કામ કરી ગયા હતા.
લોસ એન્જલીસથી 1 લાખ ગ્રીનકાર્ડ હોલ્ડરો વતનની વાટે
લોસ એન્જલીસ ખાતે બે દાયકા કરતા વધારે સમયથી વસવાટ કરી રહેલા ગુજરાતીઓ તથા વિદેશના ગુજરાતી NRI આગેવાનોને આ વખતે મતદારોમાં ઝનુન કઈંક અલગ જ લાગી રહ્યું છે. ઈન્ડોકલ્ચરલ સોસાયટી ઓફ નોર્ધન અમેરિકાના પ્રમુખ યોગી પટેલ કહે છે કે 1 લાખ જેટલા ગ્રીનકાર્ડ ધારક ગુજરાતી મતદારો ગુજરાત પહોંચવા લાગ્યા છે. અત્યારના તબક્કે વિવિધ એરલાઈન્સમાં હાઉસફુલના પાટીયા લાગી ગયા છે. સિંગાપોર એરલાઈન્સને એક સાથે 15 હજાર લોકોએ ગુજરાત માટે એપ્રોચ કરતાં તેમણે 1800 થી 1900 ડોલરની જગ્યાએ 1100 ડોલર સુધીની ટિકિટ પણ કરી આપી હતી. યોગી પટેલ પોતે પણ ઓવરસીઝ ફ્રેન્ડઝ ઓફ બીજેપી લોસ એન્જલીસના કન્વીનર હોવા સાથે રિપબ્લિકન પાર્ટીમાં વર્ચસ્વ ધરાવે છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા વિકાસના મંત્રને તેમણે સાર્થક કર્યો છે. ગુજરાતમાં નવા નવા લોકોને રાજકારણમાં લાવવાનું શ્રેય આ પાર્ટીને જાય છે. આવા સમયે મતદારો મતદાનનું ઋણ અદા કરવા ગુજરાત પહોંચ્યાં છે.
લોસ એન્જલીસથી જ 2000 જેટલા ભાજપના પ્રચારકો ગુજરાત પહોંચ્યા છે અને સ્થાનિક મતદારો સુધી સત્ય પહોંચાડવા માટે ભાજપના પ્રચારમાં જોડાશે. ગુજરાતમાં ચૂંટણીને લઈ માહોલ બરોબર જામ્યો છે અને ભાજપે તેના NRI મતદારોને હવે મેદાનમાં ઉતાર્યા છે. ટ્રાવેલના સંચાલકો પણ પુષ્ટી કરે છે કે 1 લાખ કરતા વધારે ગ્રીનકાર્ડ ધારકો ગુજરાતમાં મતદાન માટે પહોંચ્યાં છે અને પહોંચી રહ્યા છે. બે તબક્કામાં યોજાનારા મતદાનમાં મતદાનની ટકાવારીથી લઈ પક્ષે ગોઠવેલી સ્ટ્રેટેજીને પણ ખાસ્સી મદદ મળી રહેશે. ગુજરાતમાં ત્રિપાંખીયા જંગના એંધાણ વચ્ચે વતન અને વિચારધારાને એક નવો વેગ આપવાની દિશામાં NRI ગુજરાતીઓની પહેલ આ વખતે ઘણાની દશા અને દિશા ફેરવી નાખે તો નવાઈ નહીં.