ગુજરાત ઇલેક્શન વૉચઃ બીજા તબક્કામાં 101 ઉમેદવારોનો ગુનાઈત ઈતિહાસ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા-2017ની 14મી ડિસેમ્બરે યોજાનારી બીજા તબક્કાની ચૂંટણી માટે 93 મતક્ષેત્રના 851 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. ગુજરાત ઇલેક્શન વૉચ અને એડીઆર તરફથી ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવેલી 851 એફિડેવિટમાંથી 822નું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેમાં 101 ઉમેદવારો ગુનાઈત ઈતિહાસ ધરાવે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે  ગુજરાત ઇલેક્શન વોચ દ્વારા કરાયેલા આ વિશ્લેષણમાં બીજા તબક્કાની ચૂંટણીના 822 પૈકીના 101 ઉમેદવારોએ પોતાના ગુનાઈત ઇતિહાસ રજૂ કર્યા છે. ગુનાઈત ઇતિહાસ ધરાવતા આ ઉમેદવારોમાં 64 જેટલા ઉમેદવારો સામે ગંભીર ગુના નોંધાયેલા છે, એમાં ખૂનની કોશિષ, અપહરણ, મહિલાઓ પર અત્યાચાર સાથેના કેટલાક ગુનાનો સમાવેશ થાય છે.

આ ગંભીર ગુનામાં ભાવેશ કટારા ઝાલોદ, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ(નિકોલ) , કિરીટ ચીમનલાલ પટેલ (પાટણ),  શૈલેષ મહેતા (ડભોઇ), ભરતસિંહ વખાલા દેવગઢબારિયા, બાબી અબ્દુલરહેમાન (મહેસાણા), ઠાકોર લેંબુજી ભુદરજી  (કાંકરેજ), ભોરણીયા સોયબભાઇ (સિદ્ધપુર), મહેશ ભૂરીયા, જેઠા ભરવાડ (શહેરા), ભૂષણ ભટ્ટ (ખાડિયા), શહજાદ તેજાબવાલા (ખાડીયા) સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે.

એડીઆરની યાદીમાં ભાજપના 86. કોંગ્રેસના 88, બસપાના 74, એનસીપીના 27, આપના 7, અપક્ષ 14 ઉમેદવારો સામે ગંભીર ગુનાઓ નોંધાયેલ છે.બીજા તબક્કાની ચૂંટણી લડનાર ઉમેદવારોમાં 5 કરોડ ઉપરની મિલકત ધરાવતા 66 ઉમેદવારો છે, 2 કરોડ ઉપરના 64 તેમ જ 50 લાખ કરતાં વધારે મિલકત ધરાવતા 171 ઉમેદવારો છે.10 લાખથી વધારે મિલકત ધરાવતા 195, દશ લાખ કરતાં ઓછી મિલકત ધરાવતા 326 ઉમેદવારોનો સમાવેશ થાય છે.

સૌથી વધુ મિલકત ધરાવતા ઉમેદવારોમાં પંકજ પટેલ (દસક્રોઇ), રઘુ દેસાઇ (ચાણસ્મા)  અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા (વાઘોડિયા) સૌથી વધારે મિલકતો ધરાવતા ઉમેદવારો છે. 822 ઉમેદવારોમાંથી 199 જેટલા ઉમદવારો કરોડપતિ છે. કુલ 109 ઉમેદવારોએ પાન કાર્ડની વિગતો આપી નથી.

(અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ)