અમદાવાદઃ અમદાવાદ સમગ્ર ગુજરાતમાં કોરોનાનું હોટ સ્પોટ બની ગયું છે. દિવસે દિવસે વધતા જતા કેસો આગામી સમય માટે લાલબત્તી સમાન બની ગયા છે. રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીનો આંકડો 1021એ પહોચ્યો છે. જ્યારે 9 દર્દી સાજા થતાં રાજ્યમાં કુલ 73 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કોરોનાના કુલ 1021 દર્દી નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1608માંથી 150 કેસ પોઝિટિવ નોંધાયા છે. જયંતિ રવિએ આજે એક મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોરોના વાયરસના આંકથી ગભરાવવાની જરૂર નથી. બસ આપણે બધાએ ઘરમાં બેસી રહેવાની જરૂર છે. ગભરાવાથી રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે. જેના કારણે કોરોના વાયરસનો ચેપ જલ્દી લાગી શકે છે.
રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિએ કોરોના વિશે પોતાના બુલેટિનમાં માહિતી આપી હતી. ગુરુવાર રાતથી આજે સવાર સુધીના આંકડાઓ જયંતિ રવિએ જાહેર કર્યા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 45 કેસ નોંધાયા છે. સાથે જ વડોદરામાં 9, સુરતમાં 14, આણંદ 1, ભરૂચ 8, બોટાદ 3, છોટાઉદેપુર 1, દાહોદ-ખેડામાં એક એક, નર્મદામાં 5, પંચમહાલમાં 2, પાટણમાં 1 કેસ નોંધાયા છે. 8 લોકો હાલ વેન્ટીલેટર ઉપર છે. બે વ્યક્તિના મૃત્યુ નીપજ્યા છે. કુલ નવા કેસ 92 નોંધાયા છે. ગઈકાલે 24 કલાક દરમ્યાન અમદાવાદમાં 95 કેસ નોંધાયા હતા.
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1706 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 163 પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 20903 ટેસ્ટ કરવામા આવ્યા છે. જેમાં 929 નેગેટિવ અને 19974 નેગેટિવ ટેસ્ટ આવ્યા છે. 28 ફ્રન્ટ લાઈન વોરિયર્સ કોરોના પોઝિટિવ છે, તમામની સારવાર થઈ રહી છે.
દિવસે દિવસે વધતો જતો કોરોનાનો કહેર ક્યારે શાંત થશે તે અંગે કઈ પણ કહેવું મુશ્કેલ છે. સતત વધી રહેલા આ રોગચાળા વચ્ચે તંત્રની કડક કાર્યવાહી અતિ આવશ્યક છે. વડોદરામાં મોડી રાત્રે એક યુવકનું અને અરવલ્લીમાં પ્રથમ દર્દીનું મોત નીપજતાં કુલ મૃત્યાંક 38 થયો છે. રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ આવ્યો છે. દરમિયાન મોડી રાત્રે ભરૂચમાં વધુ ચાર કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફરજ નિભાવતી મહિલા સિક્યુરિટી ગાર્ડ અને 16 વર્ષના એક કિશોરનો પણ સમાવેશ થાય છે.