અમદાવાદ: રાજ્યમાં અનલોક-1 અંતર્ગત કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ હજીય કેટલાક લોકો કારણ વગર જ બહાર નિકળતા હોય છે. ત્યારે સમજવાની જરુર છે કે કોરોના હજી ગયો નથી. ઘરની બહાર ગમે ત્યાં નિકળતા પહેલા એ ચોક્કસ વિચારવું કે બહાર કોરોના છે, એટલે જો જરુરી કારણ કે કામ ન હોય તો ઘરમાં જ બેસવું તે આપણા અને આપણા પરિવાર માટે સારુ છે. કોરોના વાયરસના કેસો રાજ્યમાં વધી રહ્યા છે, અને એમાં પણ આજે તો એવું કહી શકાય કે, કોરોનાનો બોમ્બ ફૂટ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 510 જેટલા કેસો નોંધાયા છે. રાજ્યમાં જ્યારથી લોકડાઉન હટાવવામાં આવ્યું છે ત્યારથી લગભગ કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.
આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 35 દર્દીના મોત થયા છે, જ્યારે 344 દર્દીઓને સાજા થતા રજા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 19, 119 પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક 1190 થયો છે. જ્યારે રાજ્યમાં કુલ 13011 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં 324, સુરતમાં 67, વડોદરામાં 45, ગાંધીનગરમાં 21, મહેસાણામાં 9, પાટણ અને જામનગરમાં 6-6, વલસાડમાં 5, ભાવનગર અને અમરેલીમાં 4-4, ખેડા, ભરૂચ અને સુરેન્દ્રનગરમાં 3-3, ડાંગમાં 2, બનાસકાંઠા, રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા, છોટાઉદેપુર, જૂનાગઢ, નવસારી, દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ નોંધાયા છે.