અમદાવાદ: મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જેમાં મહિલા કોંગ્રેસે મોંઘવારી, બેરોજગારી, સુરક્ષા જેવા વિવિધ મુદ્દાઓને દેખાવો કર્યા અને, ‘સસ્તો દારૂ, મોંઘુ તેલ ભાજપ તારો ખેલ’ જેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
મહિલા કોંગ્રેસે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારના પાપે દેશના ૧૩૦ કરોડ નાગરીકો મોંઘવારીના મારથી હેરાન પરેશાન થઇ ગયા છે. જન વિરોધી નીતિ, મોંઘવારીનો માર, બેરોજગારી આસમાને, મહિલા સુરક્ષા મુદ્દે નિષ્ફળ ભાજપ સરકાર સામે મહિલા કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઈને ભારે સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યો હતો.
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગયાત્રીબા વાઘેલાના નેતૃત્વમાં અમદાવાદ ખાતે મહિલા કોંગ્રેસ દ્વારા ઉગ્ર દેખાવો કરીને ભાજપની જન વિરોધી – મહિલા વિરોધી નીતિને ઉજાગર કરતા ટેબ્લો, ઘોડા ગાડી, મોંઘવારીનો વિકાસ વગેરે વિશેષ રજુ કર્યા હતા. બે કલાકના ધરણા- પ્રદર્શન બાદ રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ સૂત્રોચ્ચાર કરી ઉગ્ર રજૂઆત સાથે આવેદન પત્ર સુપ્રત કર્યું હતું.