રાજ્યસભાનો રેલો: કોંગ્રેસના ધારસભ્યોનું નવુ સરનામું જયપુર

અમદાવાદઃ રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીમાં ભાજપે ત્રણ ઉમેદવાર ઊભા રાખ્યા બાદ ગુજરાત કોંગ્રેસના 5 ધારાસભ્યોએ ધારાસભ્યપદેથી રાજીનામું આપતા કોંગ્રેસની પગ નીચે હવે રેલો આવ્યો છે. હવે વધુ રાજીનામાની સ્થિતિ ટાળવા ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યો જયપુર જવા રવાના થઇ રહ્યા છે. ભરતસિંહ સોલંકીની સાથે સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડીયા, અમિત ચાવડા પણ જયપુર જવા નીકળ્યા છે.

કોંગ્રેસે 26 માર્ચ સુધી સુધી વિધાનસભામાંથી વોકઆઉટ કરવાનો નિર્ણય કર્યો છે. આ ધારાસભ્યો 25 માર્ચની રાત સુધીમાં પરત આવશે આ ધારાસભ્યો સાથે કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ જયપુર જઈ રહ્યા છે, જ્યાંથી કેટલાક ધારાસભ્યો અને આગેવાનો દિલ્હી હાઈકમાન્ડને મળવા જશે.

જયપુર જવા રવાના થયેલા ધારાસભ્યોમાં લલિત કગથરા, વિક્રમ માડમ, ભીખા જોશી, ઇમરાન ખેડાવાલા, અમિત ચાવડા, ગ્યાસુદીન શેખ, કાંતિભાઇ ખરાડી, બ્રિજેશ મેરજા, મહેશ પટેલ, , મહમ્મદ જાવેદ પિરજાદા, મોહનભાઇ વાળા, અશ્વિન કોટવાલ, નટવરસિંહ મહિડા, સુખરામ રાઠવા, રઘુ દેસાઇ, અનિલ જોશીયારા, નિરંજન પટેલ, ગુલાબસિંહ રાજપુત, મોહનસિંહ રાઠવા, વિરજી ઠુમ્મર, પુંજા વંશ અને ભરતજી ઠાકોર વગેરેનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ તમામ ધારાસભ્યોને જયપુરના શિવ વિલાસ રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે.

કોંગ્રેસના નિરિક્ષકોની ટીમ આવતીકાલે જયપુર પહોંચશે અને બે ઉમેદવારોમાંથી કોને ઉભા રાખવા અને કોનુ ફોર્મ પાછું ખેંચવું એ અંગે ચર્ચા વિચારણા પછી નિર્ણય લેવાશે. કોંગ્રેસના 2 ઉમેદવારને જીતવા 70 મતની જરૂર છે કોંગ્રેસ પાસે 68 જ મત હોવાથી એક ઉમેદવારને ઘેર જવાનો વારો આવી શકે છે.

મહત્વનું છે કે, રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણી માટે ભાજપમાંથી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીને ઉમેદવારી કરી છે. જ્યારે કોંગ્રેસમાંથી ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલે ફોર્મ ભર્યાં છે. 18 માર્ચ સુધીમાં ફોર્મ પાછા ખેંચી શકાશે. ત્યાર બાદ 26 માર્ચે સવારના 9 વાગ્યાથી 4 વાગ્ય સુધી મતદાન યોજાશે અને સાંજે પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરાશે.