અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસનો કકળાટ સુષુપ્તાવસ્થામાંથી પ્રકટરુપે બહાર આવી ગયો છે. ગઇ કાલે ઇન્દ્રનીલ રાજ્યગુરુના રાજીનામાં અને કુંવરજી બાવળીયાની નારાજગીની ખબરો. રાજકોટ કોંગ્રેસમાં ભડકો હજુ માધ્યમોની સુરખીમાં છે ત્યાં અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસના મુખ્યાલય જીપીસીસી ખાતે ભારે હંગામો જોવા મળ્યો છે.
રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. તેમાં કેટલાક કાર્યકર્તા ધસી આવ્યાં હતાં અને ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે શશીકાંત પટેલ, નીરવ બક્ષીની નિમણૂકને લઇને વિરોધના દ્રશ્યો સર્જાયાં હતાં. કાર્યકર્તાઓએ અમિત ચાવડાની ઓફિસની બહાર પણ તોડફોડ કરી હતી. જેને લઇને પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પ્રેસ છોડીને જતાં રહ્યાં હતાં.આ બનાવને લઇને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે કાર્યકર્તાઓની રજૂઆતને ઉચ્ચસ્તરે રજૂઆત કરવામાં આવશે. આ ઘટનાને લઇને કોંગ્રેસની સત્તાની ધરીના બે ફાડીયાંનો અસંતોષ ખુલીને સામે આવી ગયો છે જે કોંગ્રેસ હાઇકમાન્ડને લોકસભા ચૂંટણીના વર્ષમાં પરેશાનીનું કારણ બની શકે છે.