રાજ્યવ્યાપી સેવા સેતુ કાર્યક્રમના ચોથા ચરણનો પ્રારંભ, થશે આ કાર્યો

દાહોદઃ મુખ્યપ્રધાન વિજય રુપાણીએ દાહોદના ઢઢેલામાં સેવાસેતુ કાર્યક્રમના ચોથા ચરણનો પ્રારંભ કરાવ્યો હતો. આ સમયે તેમણે જણાવ્યું કે નાગરિકોની રજૂઆતોનો ઘરઆંગણે ઉકેલ લાવવા પારદર્શી પ્રશાસનની નાગરિકોને પ્રતિતી કરાવી છે.

સીએમ રુપાણીએ નિર્ણાયક  સરકારના સંવેદનશીલ અભિગમ સમા સેવા સેતુ કાર્યક્રમના ચોથા ચરણનો દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઢઢેલા ગામેથી રાજયવ્યાપી શુભારંભ  કરાવ્યો હતો. આ પ્રસંગે યોજાયેલ પશુ આરોગ્ય મેળાની મુલાકાત લઇ ખરવા મોવાસા રસીકરણ કાર્યક્રમનો રાજયવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.

ઢઢેલા ખાતે યોજાયેલ સેવા સેતુ કેમ્પમાં ૨૦૦૦ જેટલા નાગરિકોને એક જ સ્થળેથી વ્યક્તિલક્ષી યોજનાઓના લાભો આપવામાં આવ્યા હતા. મુખ્યપ્રધાન રૂપાણી તથા મહાનુભાવોના હસ્તે રાજય સરકારની વ્યક્તિલક્ષી યોજનાઓના લાભાર્થીઓને સહાય તથા પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સેવા સેતુના માધ્યમથી સરકારના વિવિધ ૧૩ વિભાગોની ૫૫ જેટલી વ્યક્તિલક્ષી યોજનાઓના લાભો એક જ સ્થળેથી નાગરિકોને આપવામાં આવે છે. રાજયમાં યોજાયેલા છેલ્લા ત્રણ સેવા સેતુ કાર્યક્રમ થકી કોઇપણ જાતના વચેટીયા/દલાલો વગર પારદર્શી રીતે એક કરોડથી વધુ વ્યક્તિઓને એક સ્થળેથી વ્યક્તિલક્ષી લાભો આપવામાં આવ્યા હોવાનું રુપાણીએ જણાવ્યું હતું.

સીએમે કહ્યું કે રાજયમાં ૮ થી ૧૦ ગામોનું કલસ્ટર બનાવી આગામી ત્રણ માસમાં ૧૮ હજાર ગામડાઓને આવરી લઇને નાગરિકોને મળવાપાત્ર વ્યક્તિલક્ષી યોજનાઓના લાભો સામે ચાલીને રાજયની સરકાર આપશે જેથી લોકોને એક જ સ્થળેથી લાભો મળતા સરકારી કચેરીઓના ધકકા ખાવામાંથી મુક્તિ મળશે.

વર્ષ ૨૦૨૨ સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ દાહોદ  જિલ્લામાં ૧૮ હજાર ઘરોના લક્ષ્યાંક સામે ૧૨૦૦૦ લાભાર્થીઓને આવાસો પૂરા પાડવામાં આવ્યા છે.ભારત સરકાર દ્વારા દાહોદ જિલ્લાની આકાંક્ષી જિલ્લા તરીકે પસંદગી થઇ છે ત્યારે  દાહોદ જિલ્લાના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટે સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવવા રાજય સરકાર સંપૂર્ણ મદદ કરશે તેમ મુખ્યપ્રધાને જણાવ્યું હતું.

દાહોદ જિલ્લામાં ત્રણ તબકકામાં યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં બે લાખ લોકોને લાભ મળ્યો હોવાનું જણાવાયું હતું.તેમ જ ઢઢેલા ગામે ૧૧ ગામો માટે યોજાયેલ સેવા સેતુ કેમ્પમાં ૨૦૦૦ લોકોને લાભ મળ્યો છે.