અમદાવાદ- મહારાષ્ટ્ર અને હરિયાણામાં આજે વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી. આ સાથે જ ચૂંટણી પંચે અન્ય રાજ્યોમાં 64 બઠકો પર પેટાચૂંટણીની પણ જાહેરાત કરી દીધી છે, જેમાં ગુજરાતની 4 બેઠકોનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં 21 ઓક્ટોબરે 4 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી યોજાશે. જ્યારે 24મી પરિણામ જાહેર થશે.આ બેઠકોમાં અમરાઈવાડી, ખેરાલુ, થરાદ, લુણાવાડા વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જ્યારે બાયડ, રાધનપુર અને મોરવા હડફ બેઠકો પર જ્યાં કોંગ્રેસનો વિજય થયો હતો તે ત્રણ બેઠકોની પેટાચૂંટણીની તારીખો આજે જાહેર કરવામાં આવી નથી.
2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ચાર ધારાસભ્યોનો વિજય થતાં અમરાઈવાડી, થરાદ, ખેરાલુ અને લુણાવાડા બેઠક ખાલી થઈ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના 26 સાંસદોમાંથી 4 ધારાસભ્યો સાંસદ બનતાં અમરાઈવાડી, ખેરાલુ, થરાદ અને લુણાવાડાની બેઠકો ખાલી પડી હતી. જ્યારે લુણાવાડા બેઠક પરથી ધારાસભ્ય બનેલા રતનસિંહ રાઠોડને ભાજપે લોકસભા 2019માં પંચમહાલ બેઠકની ટિકિટ આપી હતી. જેમાં તેમનો વિજય થતા તેમણે ધારાસભ્યપદેથી રાજીનામુ આપ્યું હતું. તેમજ સાંસદ બનતા હસમુખ પટેલે અમરાઈવાડી બેઠક પરથી અને ભરતસિંહ ડાભીએ ખેરાલુ બેઠક પરથી જ્યારે થરાદ બેઠક પરથી પરબત પટેલે રાજીનામાં આપ્યા હતા.