ટ્રાફિક નિયમો નહીં, પરંપરાના કારણે આ ગામમાં વાહન પર પ્રતિબંધ છે….

પાલનપુરઃ ગુજરાતમાં આજે પણ એક એવું ગામ છે કે જ્યાં લોકો અષાઢ સુદ ચૌદશથી દશેરા સુધી ગામના વ્હીકલોને ગામની બહાર જ પાર્ક કરવામાં આવે છે. 350 વર્ષ પહેલા એક ગુરુ મહારાજના આદેશ પર બીમારીથી બચવા માટે આ પરંપરા બનાવવામાં આવી હતી.

વાત છે પાલનપુર તાલુકાના વાઘણા ગામની. અહીંયા વર્ષો જુની અને લોકોની આસ્થા સાથે જોડાયેલી એક અનોખી પરંપરા આજે પણ જોવા મળી રહી છે. અહીં ચોમાસાના પ્રારંભે અષાઢ સુદ ચૌદશથી દશેરા સુધી ગામમાં રથ સહિત નાના મોટા દરેક પ્રકારના વાહનોના પ્રવેશ પર પાબંધી લગાવવા માં આવેલી છે. અને આ સમયગાળામાં ગામના લોકો પોતાના વાહનો ગામની ભાગોળે જ પાર્ક કરીને વર્ષો અગાઉ ગામમાં ફાટી નીકળેલ રોગચાળાના ઉપાય માટે આપેલ ગુરૂ મહારાજના વચનનું લોકો આજે પણ શ્રદ્ધા પૂર્વક પાલન કરી રહ્યા છે.

પાલનપુરથી દસ કિલોમીટરના અંતરે આવેલ નાના સરખા વાઘણા ગામે ગુરૂ મહારાજનું વર્ષો જુનું મંદિર આવેલું છે. અને ગામલોકો ગુરૃ મહારાજ પ્રત્યે અતુટ શ્રદ્ધા ધરાવે છે. અને ભુલથી પણ ગુરૂ મહરાજના ખોટા સોંગધ ખાતા નથી લોકોનું માનવું છે કે ગુરૂ મહારાજ આશીર્વાદથી ગામમાં મોટો રોગચાળો ફેલાતો નથી અને વર્ષો અગાઉ ગુરૂ મહારાજે ચોમાસા દરમિયાન ગામમાં રથ કે પૈડા વાળા વાહનોને પ્રવેશના કરવા માટે આપેલ વચનનો ગામ લોકો આજે પણ પાલન કરી રહ્યા છે. વાઘણા ગામે સાડા ત્રસો વર્ષ અગાઉ ભેદી રોગચાળો ફાટી નીકળતા અનેક ગામલોકો બીમારીના ભોગ બન્યા હતા. અને નાના બાળકો તેમજ મોટા લોકોના બીમારીના કારણે ટપોટપ મોત નિપજતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

ત્યારે ગામલોકોને રોગચાળાથી છુટકારો આપવવા માટે ગામમાં બાર વર્ષ સુધી તપ સિદ્ધ કરીને મંદિરમા રહેતા ગુરૂ મહારાજ પ્રાણ ભારતી પાસે ગયા હતા. ત્યારે ગુરૂ મહારાજે રોગચાળાના ઉપાય માટે ચોમાસાના પ્રારંભે અષાઢ સુદ ચૌદશથી આસો માસના દશેરા સુધી ગામમાં રથ કે પૈડાં વાળા વાહન, બળદ ગાડા, ઉંટ ગાડા નો પ્રવેશ ના કરાવવા માટે વચન આપ્યું હતું. જેને લઇ ગામ લોકોએ ગુરૂ મહારાજે આપેલ વચન મુજબ ચોમાસાના સમયગાળામાં પોતાના વાહનો ગામ બહાર રાખતા રોગચાળો કાબુમાં આવ્યો હતો. જોકે ગુરૃમહારાજના વચનથી રોગચાળો નાબુદ થતા ગામમા દર વર્ષે ગુરૂ મહારજના વચનનું પાલન કરવામાં આવે છે. અને ગામમાં સાડા ત્રણસો વર્ષ અગાઉ શરૂ થયેલ ચોમાસામાં દશેરા સુધી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધની પ્રણાલી આજે પણ ચાલી રહી છે. અત્યારે ચોમાસાની સીઝન હોવાથી ગુરૂ મહારાજની આજ્ઞા પાળવા માટે ગામ લોકો ગામની ભાગોળે જ પોતાના વાહનો થંભાવી રહ્યા છે.

વાઘણા ગુરૂ મહારાજ મંદિરના પુજારી ઘેમર ભારથીએ જણાવ્યું હતું કે સાડા ત્રણસો વર્ષ અગાઉ ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો. જેને લઇ લોકો મોતને ભેટતા આ અપમૃત્યું ને રોકવા માટે ગામના તપસ્વી ગુરૂ મહારાજ પ્રાણ ભારથીએ ગામમાં ચોમાસાની ઋતુમાં પૈડા વાળા રથ કે વાહનનો પ્રવેશ ન કરવા જણાવ્યું હતું કે બાદ રોગચાળો નાબુદ થતા વર્ષો બાદ આજે પણ ચોમાસા દરમ્યાન ગામમાં વાહન પ્રવેશ પ્રતિબંધ મુકવામાં આવે છે. અને ગામ લોકો તેનો અમલ કરે છે.