અમદાવાદ– માર્ચમાં ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષાઓનું ટાઇમટેબલ બહાર પડી ગયું છે એ સાથે પરીક્ષા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પાલન કરવાના નિયમો પણ બહાર પડાયાં છે.મોટાભાગે જૂના નિયમો ફરી મેન્શન કરાયાં છે પણ જે કેટલાક ફેરફાર દર્શાવવામાં આવ્યાં છે તે પરીક્ષાના દૂષણોને ડામવા માટે અતિકડક વલણ અપનાવવામાં આવ્યું છે.દરેક સેન્ટર પર સીસીટીવી ફરજિયાત છે જ, ઉપરાંત હવે કોઇપણ વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને ઇશારો કરતાં ઝડપાશે કે સાંકેતિક વાત કરતાં ઝડપાશે તો પરિણામ રદ કરવા સાથે ગેરરીતિનો કેસ નોંધાશે.
વિદ્યાર્થી પરીક્ષાખંડમાંથી પ્રશ્નપત્ર કે ઉત્તરવહી બહાર નાંખશે તો તેનું પરિણામ રદ કરવામાં આવશે.
કોઇ વિદ્યાર્થી પોતાની કે અન્ય વિદ્યાર્થીની ઉત્તરવહી ફાડી નાંખે કે લઇ જશે તો પરિણામ રદ કરવામાં આવશે.
વિદ્યાર્થી કોઇપણ ઘાતક હથિયાર સાથે ઝડપાશે તો તેને હંમેશ માટે પરીક્ષામાંથી બાકાત કરવામાં આવશે.
પરીક્ષાની ઉત્તરવહીમાં લગાવેલ બારકોડ સ્ટીકર સાથે કોઇપણ પ્રકારની છેડછાડ નહીં ચલાવી લેવાય અને તેને ગંભીર ગુનો માનવામાં આવશે.
વિદ્યાર્થી કોઇપણ ઇલેક્ટ્રોનિક ગેઝેટ ધરાવતો ઝડપાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
જાહેર થયેલાં 33 નિયમોમાં કેટલાકમાં અગત્યના ફેરફાર કરાયાં છે. જે મુજબ જો વિદ્યાર્થી પોતાની ઉત્તરવહીમાં મદદ કરવાની કે અન્ય કોઇ આજીજી લખી હશે કે ચિઠ્ઠી ચીપકાવી હશે અથવા તો ચલણી નોટો મૂકી હશે એવી કોઇપણ પ્રવૃતેત્ કરાઇ હશે તો વિદ્યાર્થી નાપાસ તો જાહેર થશે જ સાથે તેની સામે ગંભીર શિક્ષાત્મક પગલાં પણ લેવાશે.
બોર્ડે વિદ્યાર્થીઓની સાથે નિરીક્ષણકાર્ય કરતાં શિક્ષકો માટે પણ કેટલાક કડક નિયમો દર્શાવ્યાં છે.