ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીની ઉપસ્થિતીમાં આજે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની અને રાજ્યની ચાર અગ્રણી સહકારી સંસ્થાઓ વચ્ચે જીએસટી સહેલી દ્વારા જીએસટીના અનુપાલન માટેના એમઓયુ કરવામાં આવ્યા છે.
વન નેશન વન ટેક્સ અંતર્ગત રાજ્યના દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ એપીએમસી અને સહકારી બેંકો જીએસટી રિટર્ન અને ટેક્સ સહિતની પદ્ધતી સરળતાથી સમજી શહે તે હેતુથી નવતર પહેલ સ્વરુપે ગ્રામ વિકાસ કમિશનર દ્વારા જીએસટી સહેલી પ્લેટફોર્મ અને વેબ પોર્ટલ વિકસાવવામાં આવ્યા છે.
જીએલપીસી સખી મંડળો અને જીએસટી સહાયકોને આ અંગેની તાલીમ આપી નાના વેપારીઓ અને વ્યવસાયકારોને મદદરુપ બની સ્વરોજગારના માર્ગે વાળે છે. આજે થયેલા એમઓયુ અંતર્ગત હવે બહુધા સહકારી ક્ષેત્ર પણ આ જીએસટી સહેલી સેવાઓનો લાભ લેશે.
મુખ્યપ્રધાન રુપાણીની ઉપસ્થિતીમાં જીએલપીસીના મેનેજિંગ ડિરેક્ટર હિંગરજીયા અને ગુજરાત સ્ટેટ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક અને ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડ તેમજ એનડીડીબીના મેનેજિંગ ડિરેક્ટર અધ્યક્ષ અને કાર્યવાહક નિયામકોએ એમઓયુ સાઈન કર્યા હતા.
જી.એસ.ટી સહેલી પોર્ટલ અને ઓન લાઈન પ્લેટફોર્મ ગુજરાતી હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષામાં ઉપલબ્ધ કરવાની દેશમાં ગુજરાતે પહેલ કરી છે. 1250 થી 3000 સુધીની નજીવી ફી લઇને આ સેવાઓ જી.એસ.ટી સહેલી પુરી પાડે છે. રાજ્યમાં 300 જી.એસ.ટી સહાયકો તાલીમ પ્રાપ્ત કરી હાલ સેવારત છે તેમજ 200 તાલીમ લઇ રહયા છે.
જી.એલ.પી. સી આગામી સમયમાં વધુ 700 સ્નાતકો ને તાલીમ આપવાનું છે. આજે આ એમ.ઓ.યુ થવાના પિરણામે અમુલ અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સાથે જોડાયેલી 18 હજાર જેટલી દૂધ મંડળીઓ તેમજ કૃષિ બજાર બોર્ડ સંલગ્ન 227 માકેર્ટ યાર્ડને જી એસ.ટી.ની સમગ્ર બાબતોમાં જી.એસ.ટી સહેલી પ્લેટફોર્મ અને પોર્ટલ સરળતાથી મદદરૂપ થશે. આ સેવાઓ ઓન લાઈન હોવાના કારણે હવે રિટર્ન ફાઇલથી લઇને જી એસ ટી વિષયક અન્ય સેવાઓ માટે સમયનું બંધન રહેશે નહી.