GSRTCએ ગિફ્ટ સિટીને જોડતી ઇલેક્ટ્રિક બસ સેવાઓ શરૂ કરી

ગાંધીનગરઃ ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને (GSRTCએ)  ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)માં આવવા-જવા માટે ગ્રીન ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓને મજબૂત કરવાના પ્રયાસરૂપે  અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક સ્થળોને ગિફ્ટ સિટી સાથે જોડતી ત્રણ નવી ઇલેક્ટ્રિક બસો શરૂ કરી છે.

હાલમાં નારોલથી ગિફ્ટ સિટી, શાંતિપુરા-એસજી હાઇવેથી ગિફ્ટ સિટી અને ગાંધીનગર પથિકાશ્રમથી ગિફ્ટ સિટી એમ ત્રણ રૂટ પર બસો દોડે છે. જાહેર પરિવહનની વધતી જતી માગ, ઓફિસના સમય અને અમદાવાદ તથા ગાંધીનગરના મુખ્ય ટ્રાન્ઝિટ પોઇન્ટ સાથે વધુ સારી કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા માટે ત્રણ રૂટ શરૂ કરવામાં આવ્યા છે.

ગિફ્ટ સિટીએ ગયા વર્ષે ઇલેક્ટ્રિક વેહિકલ (EV) પરિવહન સેવાઓ માટે ચાર્ટર્ડ સ્પીડ લિમિટેડ સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા હતા અને ગિફ્ટ સિટી સાથે અમદાવાદ અને ગાંધીનગરને જોડતા વિવિધ રૂટ પર ચાર ઇલેક્ટ્રિક બસો પહેલેથી જ દોડી રહી છે.

GSRTC દ્વારા ત્રણ રૂટ પર ચલાવવામાં આવી રહેલી ઇલેક્ટ્રિક બસોનો નવીનતમ ઉમેરો ગિફ્ટ સિટીમાં કામ કરતા 20,000થી વધુ લોકોને પોસાય તેવા ખર્ચે કનેક્ટિવિટીની સરળતા પૂરી પાડશે.

ગિફ્ટ સિટીના MD અને ગ્રુપ CEO તપન રેએ જણાવ્યું હતું કે પ્રારંભથી જ ગિફ્ટ સિટીએ પર્યાવરણને ભોગે વિકાસ ન સાધવા માટે ગ્રીન પહેલ હાથ ધરી છે. અમે ગયા વર્ષથી ગિફ્ટ સિટીમાં ઈ-મોબિલિટી સુવિધાઓ શરૂ કરી છે. અને GSRTC દ્વારા ત્રણ નવી ઇલેક્ટ્રિક બસોની તાજેતરની રજૂઆતથી ગિફ્ટ સિટીમાં અને ત્યાંથી આવતા મુસાફરોને ચોક્કસપણે ફાયદો થશે.