GSEBનું 12મા સાયન્સનું સરેરાશ 72 ટકા પરિણામ

અમદાવાદઃ ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ, 2022માં લેવાયેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજ્યભરના 1.08 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં આપી હતી. આ વર્ષે 72.2 ટકા પરિણામ આવ્યું છે. રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ પરિણામ જાહેર કર્યું હતું.

2022માં લેવાયેલી આ પરીક્ષામાં 72 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વર્ષે ગુજરાતી તેમ જ ઈંગ્લિશ મિડિયમનું પરિણામ લગભગ એકસરખું રહ્યું છે. આ વખતે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓનાં પરિણામોમાં પણ ખાસ ફરક જોવા નથી મળી રહ્યો. 2022માં કુલ 1,06,347 વિદ્યાર્થીઓએ આપી હતી, જેમાં 95,361 રેગ્યુલર સ્ટૂડન્ટ્સ હતા, તેમાંથી 68,681 પાસ થયા છે. સૌથી વધુ પરિણામ લાઠી સેન્ટરનું આવ્યું છે જ્યાં 96.12 ટકા વિદ્યાર્થી પાસ થયા છે, જ્યારે 33.33 ટકા પરિણામ સાથે લીમખેડા સેન્ટર સૌથી ઓછું પરિણામ આવ્યું છે. જિલ્લાનુસાર પરિણામ જોઈએ તો રાજકોટ જિલ્લો 85.78 ટકા સાથે પહેલા ક્રમે છે, જ્યારે 40.19 ટકા સાથે દાહોદ જિલ્લો છેલ્લા ક્રમે રહ્યો છે. બોર્ડ દ્વારા સવારે દસ વાગ્યે ઓનલાઇન પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું હતું.

રાજ્યની 64 સ્કૂલો ધોરણ 12 સાયન્સમાં સો ટકા પરિણામ લાવી છે, જ્યારે 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી સ્કૂલોની સંખ્યા 61 થાય છે. આ પરીક્ષામાં કુલ 196 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ લાવવામાં સફળ થયા છે, જ્યારે A2 ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 3303 થાય છે. ગ્રુપ અનુસાર પરિણામ પર નજર કરવામાં આવે તો A ગ્રુપનું સૌથી વધુ 78.40 ટકા, B ગ્રુપનું 68.58 ટકા અને AB ગ્રુપનું 78.38 ટકા પરિણામ આવ્યું છે. આ સિવાય ઈંગ્લિશ મિડિયમનું પરિણામ 72.57 અને ગુજરાતી મિડિયમનું પરિણામ 72.04 ટકા રહ્યું છે. આ વર્ષે છોકરા-છોકરીઓનાં પરિણામમાં પણ વિશેષ ફરક નથી. વિદ્યાર્થિનીઓનું પરિણામ 72.05 છે, જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ 72 ટકા રહ્યું છે.