સેન્સેક્સ 1158 પોઇન્ટ તૂટ્યોઃ રિટેલ ફુગાવામાં ઉછાળો

અમદાવાદઃ સ્થાનિક શેરબજારોમાં સવારના ટ્રેડિંગ સેશનમાં જ સેન્સેક્સ 1000 પોઇન્ટ તૂટ્યો હતો, જેથી પ્રારંભમાં જ રોકાણકારોના રૂ. પાંચ લાખ કરોડ સ્વાહ થયા હતા. છેલ્લા એક મહિનામાં રોકાણકારોએ રૂ. 34 લાખ કરોડ ગુમાવ્યા છે. BSE પર ઉપલબ્ધ ડેટા મુજબ એક્સચેન્જ પર લિસ્ટેડ બધી કંપનીઓનું કુલ એમ-કેપ બુધવારે રૂ. 246.31 લાખ કરોડથી ઘટીને આજે એ રૂ. 5.16 લાખ કરોડ ઘટીને રૂ. 241.15 લાખ કરોડ થયું હતું. જે 11 એપ્રિલે રૂ. 275.17 લાખ કરોડના સ્તરે હતું. નિફ્ટીએ 16,000ની મનૈજ્ઞાનિક સપાટી તોડી હતી. નિફ્ટી તેના 52 વીક હાઇ 18,604થી 15 ટકા તૂટી ચૂક્યો છે. આ સાથે સેન્સેક્સ 1158.08 તૂટીને 52,930ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 359.10 તૂટીને 15,808ની સપાટીએ બંધ રહ્યો હતો.

દલાલ સ્ટ્રીટ સહિત વૈશ્વિક માર્કેટ રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછીથી આશરે 2.5 મહિનાથી વેચવાલીના દબાણમાં છે. મહત્ત્વના બધા ઇન્ડેક્સમાં ભારે ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક મહિનામાં જ સેન્સેક્સ અને નિફ્ટીમાં આશરે 10 ટકાનો ઘટાડો નોંધાયો છે. સેન્સેક્સ 9.40 અથવા 5508 પોઇન્ટ તૂટ્યો છે, જ્યારે નિફ્ટી 9.6 ટકા અથવા 1680.90 પોઇન્ટ તૂટ્યો છે. મિડકેપ ઇન્ડેક્સ 13 ટકાથી વધુ તૂટ્યો છે, જ્યારે BSE 500 ઇન્ડેક્સ 11 ટકા ઘટ્યો છે.

દેશમાં રિટેલ ફુગાવાના દરમાં ઉછાળો આવ્યો છે. સરકારી ડેટા મુજબ રિટેલ ફુગાવો 6.95 ટકા હતો, જે એપ્રિલમાં વધીને 7.79 ટકાએ પહોંચ્યો છે. સતત ચોથા મહિને રિટેલ ફુગાવો રિઝર્વ બેન્કની સહનશીલતાની મર્યાદાની ઉપર આવ્યો છે.