સાળંગપુરધામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં ચૈત્ર સુદ પૂનમના પાવન અવસરે શનિવારે શ્રી હનુમાન જન્મોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી. આ ઉત્સવનું આયોજન શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામના સંચાલન હેઠળ પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) અને કોઠારી શ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનમાં થયું હતું. આ દિવસે શ્રી કષ્ટભંજનદેવને 8 કિલો શુદ્ધ સોનામાંથી બનાવેલા વાઘા પહેરાવવામાં આવ્યા, જેની કિંમત 9 કરોડ રૂપિયાથી પણ વધુ છે.
હનુમાન જયંતીના દિવસે સવારે 5:15 વાગ્યે મંગળા આરતી અને 7:00 વાગ્યે શણગાર આરતી પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી દ્વારા થઈ હતી. આ દરમિયાન ભવ્ય આતશબાજી સાથે શ્રી કષ્ટભંજનદેવનું સ્વાગત કરાયું. સવારે 7:00 વાગ્યે દાદાએ સુવર્ણ વાઘા ધારણ કરી ભક્તોને દર્શન દીધાં. 7:30 વાગ્યે 51,000 બલૂન ડ્રોપથી ભક્તોનું ઉષ્માભર્યું સ્વાગત થયું. આ ઉપરાંત, 250 કિલોની વિશાળ કેક કાપીને હનુમાનજીનો જન્મદિવસ ઉજવાયો, જેમાં હજારો ભક્તો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા.
સવારે 7:00 વાગ્યે સમૂહ મારૂતી યજ્ઞનું આયોજન થયું, જેમાં 1,000થી વધુ ભક્તોએ ભાગ લઈ દાદાના દરબારમાં આધ્યાત્મિક લાભ મેળવ્યો. બપોરે 11:00 વાગ્યે મહાઅન્નકૂટનું આયોજન થવાનું છે, જેમાં હજારો ભક્તો ભાગ લેશે. શ્રી કષ્ટભંજનદેવને પહેરાવવામાં આવેલા 8 કિલો સોનાના વાઘાની કિંમત 9 કરોડ રૂપિયાથી વધુ છે. આ વાઘા 2019માં 22 ડિઝાઇનર્સની ટીમ દ્વારા બનાવવામાં આવ્યા હતા, જેનું મુખ્ય કામ અંજારના હિતેષભાઈ સોનીએ કર્યું હતું. આ ઉપરાંત, રાજકોટ અને જયપુરમાં પણ આ કામનો એક ભાગ થયો હતો. આ વાઘા બનાવવા માટે 100 જેટલા સોનીઓએ 1,050 કલાકની મહેનત કરી અને એક વર્ષના સમયગાળામાં આ વાઘા તૈયાર થયા.
આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે 3,000થી વધુ સ્વયંસેવકો 25 જુદા-જુદા વિભાગો જેવા કે ભોજનાલય, મંદિર પરિસર અને પાર્કિંગમાં સેવા આપશે. ભક્તોની સુવિધા માટે બરવાળા અને બોટાદ તરફથી આવતા માર્ગો પર વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં 10,000થી વધુ વાહનો એકસાથે પાર્ક થઈ શકે છે.
