રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને તમામ એકમો પર ફાયરની સુવિધાને લઈ ચકાસણી શરૂ થઈ છે. રાજકોટ અગ્નિકાંડ કેસમાં રાજયની શાળાઓમાં ફાયર સેફ્ટીની સુવિધા ચકાસણી અંગે ગુજરાત હાઇકોર્ટે અગાઉ જારી કરેલા હુકમ અનુસંધાનમાં રાજય સરકાર દ્વારા ગુજરાતની શાળાઓમાં ફાયર સેફ્ટીની સ્થિતિ, ફાયર એનઓસી સહિતના મુદ્દે આંકડાકીય માહિતી સાથેનું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું રાજયની 11,451 સ્કૂલોમાં તો ફાયર એનઓસી જ નથી.
આ રિપોર્ટમાં જણાવા માળ્યું છે કે રાજ્યની 11451 શાળામાં ફાયર NOC નથી. એટલે કે, આ શાળાઓમાં ફાયર સેફટીની કોઇ સુવિધા જ નથી અને આવી સ્કૂલોમાં બાળકો-વિદ્યાર્થીઓ આગ-અકસ્માતના જોખમ વચ્ચે રામભરોસે અભ્યાસ કરી રહ્યા છે. સરકાર અને તંત્ર દ્વારા શાળાઓને ફાયર સેફ્ટીના સાધનો-સુવિધા અને નિયમો લાગુ કરવા 30 દિવસનો સમય આપ્યો છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેચમાં સરકારનો જવાબ રેકર્ડ પર લીધો હતો.
રાજયમાં આવેલી પ્રિ-પ્રાયમરીથી લઇ ઉચ્ચત્તર માઘ્યમિક શાળાઓમાં ફાયર સેફ્ટીની સુવિધાને લઇ સરકાર અને તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરીનો વિગતવાર અહેવાલ આજે હાઇકોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. જેમાં એવી ચોંકાવનારી વાત સામે આવી હતી કે, રાજયની કુલ 55,344 શાળાઓમાં ફાયર સેફ્ટી મુદ્દે ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 11,451 સ્કૂલોમાં ફાયર એનઓસીની સુવિધા જ નહી હોવાનું સામે આવ્યું હતું. 43,893 જેટલી શાળાઓએ સેલ્ફ ડેકલેરેશન કર્યું હતું. જયારે માત્ર 9563 શાળાઓ પાસે જ ફાયર એનઓસી હોવાનો ઘટસ્ફોટ પણ સામે આવ્યો હતો. ફાયર સેફ્ટી એકટ અને રૂલ્સની જોગવાઇ મુજબ, 9 મીટરથી વઘુ ઉંચાઇનું મકાન ધરાવતી શાળાઓ માટે ફાયર એનઓસી ફરજિયાત છે., તેથી હવે સ્કૂલોએ તાબડતોબ ફાયર એનઓસી મેળવવાની કવાયત હાથ ધરી છે.