ગાંધીનગરઃ રાજ્યમાં 21મી સપ્ટેમ્બરથી શાળાઓ નહીં ખૂલે. રાજ્યના પ્રધાનમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર વતી શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ જાહેરાત કરી હતી. કોરોના વાઇરસના વધતા સંક્રમણ વચ્ચે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળી બાદ રાજ્યમાં કોરોનાની કેવી પરિસ્થિતિ છે તેને આધારે શાળાઓ શરૂ કરવા સંદર્ભે શિક્ષણ વિભાગ વિચારણા કરશે.
રાજ્યમાં શાળાઓ ન ખોલવાનો નિર્ણય
આ પહેલાં કેન્દ્ર સરકારની કોરોના ગાઇડલાઇન મુજબ અને અનલોકની નવી ગાઇડલાઇનમાં 21 સપ્ટેમ્બરથી શાળાઓ ખોલવાની શરતોને આધીન મંજૂરી આપી હતી, જેમાં ધોરણ 9-12ના વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષકો વિચારવિમર્શ માટે બોલાવી શકશે તેમ જ ઓનલાઇન એજ્યુકેશન માટે પણ શાળાઓ 50 ટકા સ્ટાફ બોલાવી શકશે, પરંતુ આજે કેબિનેટની બેઠકમાં રાજ્યમાં શાળાઓ ન ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
છ મહિનાથી શાળાઓ બંધ
રાજ્યમાં કોરોનાની એન્ટ્રી થઇ ત્યારથી એટલે કે 15 માર્ચથી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. શાળાઓ બંધ થયા બાદ ફક્ત બોર્ડ પરીક્ષાઓ યથાવત્ રાખવામાં આવી હતી. આમ રાજ્યમાં છેલ્લા 6 મહિનાથી સ્કૂલો બંધ છે. રાજ્ય સરકાર દ્વારા સિલેબસમાં ઘટાડો કરવા અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે.