અમદાવાદઃ રાજ્યમાં શ્રીકાર વરસાદ વરસી રહ્યો છે. મોન્સૂન ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ બે-બે સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં 1થી 22 ઇંચ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આગામી 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢના વિસાવદરમાં બારે મેઘ ખાંગા થયા હોય એમ 22 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેથી જનજીવન અસ્તસ્વ્યસ્ત થઈ ગયું છે. આ સાથે ભેંસાણમાં છ ઇંચ વરસાદ, ધરમપુરમાં પાંચ ઇંચ, ધારીમાં સાડાચાર ઇંચ વરસાદ ઓઝત નદીનો પાળો તૂટતાં માણાવદર તાલુકાના ઘેડ પંથકના કોયલાણા ગામમાં પાણી ફરી વળ્યાં છે. ઘેડ પંથક અને બરવાળા બેટમાં ફેરવાયું હતું.
જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. વિસાવદરમાં છેલ્લા દોઢ દિવસમાં રેકોર્ડ બ્રેક 22 ઇંચ વરસાદ પડ્યો છે તો ભારે વરસાદને કારણે જિલ્લાના તમામ ડેમોમાં નવા નીરની પુષ્કળ આવક થઈ છે. જેમાં ઓઝત વિયર ડેમ છલકાતાં 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેથી નીચાણવાળાં ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.
મુંજિયાસર ડેમ ઓવરફ્લો
અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. મુંજિયાસર ડેમ ઓવરફ્લો થવાના કારણે સાતલડી નદી ગાંડીતૂર બની હતી..
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની હેલી જોવા મળી રહી છે. આજે વહેલી સવારથી જ સમગ્ર સુરત શહેરમાં વરસાદ જામ્યો છે. મુશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.
છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા અવિરત વરસાદને કારણે જૂનાગઢ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પાણી ઘૂસ્યા છે, તો અનેક ગામો સંપર્કવિહોણાં બની ગયાં છે. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે રાજ્ય સરકાર દ્વારા NDRFની એક ટીમ તહેનાત કરવામાં આવી છે.
ભેંસાણમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે ભેંસાણ તાલુકાના ભાટગામ પાસે આવેલી ઉબેણ સિંચાઇ યોજના જળાશયમાં પાણીની આવક વધતાં ડેમ ઓવરફ્લો થયો છે.
અમદાવાદ શહેરમાં સાંજે વરસેલા સતત વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભારયાં હતાં. અમદાવાદ અને બોટાદ જિલ્લામાં પણ મેઘરાજાની સવારી ધબધબાટી બોલાવી રહી છે. બરવાળા તાલુકામાં ચાર કલાકમાં સાડાપાંચ ઇંચ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે ગઢડામાં 40 મીમી., ધંધૂકામાં 68 મીમી, ધોળકામાં 30 મીમી વરસાદ નોંધાયો હતો. અમદાવાદ જિલ્લાની સરખામણીમાં બોટાદ જિલ્લામાં વધારે પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો. બોટાદ જિલ્લામાં હજી મુશળધાર વરસાદ વરસવાની શક્યતા છે.
હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર અને કચ્છમાંપહેલી જુલાઈથી વરસાદ ઓછો થઈ શકે છે, જ્યારે અમદાવાદમાં બીજી જુલાઈથી વરસાદનું જોર ઘટે એવી શક્યતા છે. મોહંતીએ ઉમેર્યું કે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય રીતે જેટલો વરસાદ થવો જોઈએ તેના કરતાં 107 ટકા વધુ વરસાદ થયો છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 110.08 મિલીમીટર રહ્યો છે, પણ આ વર્ષે અત્યાર સુધીમાં 229.02 મિલીમીટર વરસાદ વરસ્યો છે.
વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસાદના કારણે અનેક સ્થળોમાં પાણી ભરાયા છે. અનેક ઘરોમાં પાણી ભરાયાં છે. ઘૂંટણસમાં પાણી ભરાતાં સ્થાનિક લોકો મુશ્કેલીમા મુકાયા હતા. ઘરોની અંદર પાણી ભરાતાં ઘરવખરીનો સામાન તણાયો હતો.