ભૂજઃ લોકગાયિકા ગીતા રબારી રસી વિવાદ બાદ વધુ એક વખત વિવાદમાં ફસાયાં છે. કચ્છના એક ફાર્મ હાઉસમાં લોક ગાયિકા ગીતા રબારીના ડાયરામાં કોવિડ ગાઇડલાઇનના લીરેલીરા ઊડતા જોવા મળ્યા હતા. જેને લઇને ડાયરા આયોજક અને ગીતા રબારી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 21 જૂને ભૂજના રેલડી ગામે ફાર્મ હાઉસમાં ગીતા રબારી, નીલેશ ગઢવી અને લક્ષ્મણ બારોટ સહિતના કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી. જોકે આ ડાયરા માટે કોઈ પણ મંજૂરી લેવામાં આવી નહોતી અને 200થી વધુ લોકો હાજર રહી જાહેરનામાનું ઉલ્લંઘન કર્યું હતું. પોલીસે ફાર્મ હાઉસના માલિક સામે પણ ગુનો નોંધ્યો છે.
આ ઘટનામાં પદ્ધર પોલીસ મથકે ડાયરાની મંજૂરી આપનારા ગાંધીધામના સંચાલક અને કોરોના રોગચાળો હોવા છતાંય ડાયરો યોજવાની સહમતી દર્શાવનાર ગીતા રબારી સામે કેસ નોંધવામાં આવ્યો છે. પદ્ધાર પોલીસે આ ઇવેન્ટના આયોજક સંજય ઠક્કર સામે ગુનો નોંધ્યો છે. આ લોકો સામે IPCની કલમ 188,269, 270, GP એક્ટની કલમ 139, ડિઝેસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005ની કલમ 51B અને એપિડેમિક એક્ટની કલમ ત્રણ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ પહેલાં ગીતા રબારીએ પોતાના ઘરે જ રસી લીધી હોવાનો ફોટો વાઇરલ કર્યો હતો. જે બાદ વિવાદ થતાં તેમણે પોસ્ટ ડિલિટ કરી નાખી હતી, પરંતુ આ મામલામાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા ઘેરાઈ જતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યા હતા. આ બનાવમાં સરકારે તેમને ઠપકો પણ આપ્યો પડ્યો હતો.