સુરતમાં કોહિનૂર હીરાથી પણ વધુ કીમતી ગણપતિ

સુરતઃ દેશમાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી શરૂ થઈ ગઈ છે, પણ શું ક્યારેય રૂ. 1000 કરોડના ગણપતિ હોઈ શકે?  જી હા, સુરતના એક હીરાના વેપારની પાસે વિશ્વના સૌથી મોંઘા ગણપતિ છે. 20 વર્ષ પહેલાં બેલ્જિયમમાં કાચા હીરા ખરીદતી વખતે તેમને એ હીરો મળ્યો હતો, જેનો આકાર ગણપતિ છે. એ હીરાના ભગવાનની પ્રતિમા માનીને વેપારીએ એ હીરો ઘરમાં જ રાખી લીધો છે. હાલ એ કાચા હીરાની કિંમત રૂ. 1000 આંકવામાં આવી રહી છે.

તેમણે આ હીરાને ખરીદ્યો, ત્યારે તેમને અંદાજ નહોતો, પરંતુ જ્યારે તે ઘરે પહોંચ્યા તો પિતાએ કહ્યું કે એ તો ગણેશ મૂર્તિનો આકાર છે, પછી ઘરના સભ્યોએ એ હીરોને ઘરમાં રાખવાનો નિર્ણય લીધો હતો. વળી, ગણેશ જે દિવસથી ઘરે આવ્યા, એ દિવસથી પરિવારની મુશ્કેલીઓ દૂર થતી ગઈ, ત્યારથી પરિવારની આસ્થા વધુ મજબૂત થતી ગઈ.

સુરતના કનુભાઈ આસોદરિયાનું કહેવું છે. એક હીરો બનવામાં વર્ષો લાગે છે. આવામાં આ હીરો માત્ર કીમતી નહીં, પણ સદીઓ પુરાણો છે. વિશ્વમાં હંમેશાં હીરાની વાત થાય છે. કોહિનૂર હીરો 104 કેરેટનો છે, જ્યારે આ હીરો 184 કેરેટના છે. એટલા માટે એની કિંમત રૂ. 1000 કરોડની છે. વર્ષ 2019-20માં એની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 500થી 600 કરોડ અંદાજવામાં આવી હતી. જોકે કિંમતને મામલે કનુભાઈ કહે છે, જેને ઇશ્વર માન્યા છે, તેની કિંમત આંકી ન શકાય, કેમ કે તે અતિ મૂલ્યવાન છે.