ગાંધીવાદી લેખક-અનુવાદક મોહન દાંડીકરનું અવસાન

દાંડી (નવસારી): ગુજરાતના જાણીતા લેખક-અનુવાદક-સાહિત્યકાર અને ગાંધી વિચારના અભ્યાસુ મોહન દાંડીકરનું આજે અહીં એમના નિવાસસ્થાને નિધન થયું છે. એમની વય આશરે 86 વર્ષની હતી.

વિશ્વપ્રસિદ્ધ દાંડીના જ રહીશ એટલે દાંડીકર ગાંધીવિચારધારાના રંગે પૂરા રંગાયેલા રહ્યા. ગિરિરાજ કિશોર લિખિત હિન્દી પુસ્તકનો એમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો. લગભગ 900 પાનાનું આ પુસ્તક ‘પહેલો ગિરમીટિયો’ બહુ જાણીતું થયું છે. મંટોની વાર્તા પણ દાંડીકર ગુજરાતીમાં લાવ્યા હતા.

મોહન દાંડીકરના નામે લગભગ 75 પુસ્તકો છે. એમના પુત્રી પારુલ દાંડીકર વડોદરામાં રહીને ‘ભૂમિપુત્ર’ વિચારપત્રનું સંપાદન કરે છે.