રાજ્યની તમામ કોવિડ હોસ્પિટલોમાં કોરોનાની ફ્રી સારવાર

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને જોતા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર વતી માહિતી આપતા મુખ્યમંત્રીના સચિવ અશ્વીની કુમારે જણાવ્યું કે રાજ્યની તમામ 31 કોવિડ હોસ્પિટલોમાં કોરોના વાયરસના દર્દીની મફત સારવાર થશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ વૈશ્વિક મહામારીના કપરા કાળમાં તમામ પ્રજાજનોને કોવિડ-19ની સારવારનો લાભ વિનામૂલ્યે મળે તે માટે નિર્ણય કર્યો છે.અશ્વિની કુમારે ઉમેર્ય કે મુખ્યમંત્રીના આ નિર્ણય મુજબ આવી કોવિડ કોરોના ખાનગી હોસ્પિટલમાં ઇન્ડોર અને આઉટડોર તમામ દર્દીઓને સારવાર અને દવાઓ વિનામૂલ્યે અપાશે. કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર લઇને સાજા થયા બાદ હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થાય તે પછી પણ પાંચ દિવસ સુધી તેમને ચા, નાસ્તો, બે ટાઇમ ભોજન અને દવાઓ વિનામૂલ્યે અપાશે. આવી હોસ્પિટલના આરોગ્યકર્મીનું કોરોના સંક્રમિત થવાથી મૃત્યુ થાય તો રાજ્ય સરકારની જાહેરાત મુજબ રૂ. રપ લાખની સહાય તેવા આરોગ્યકર્મીને અપાશે.

સરકારે કોરોના વાયરસના સંક્રમણને જોતા આજે મધરાતથી રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કર્ફ્યુ  રાખવાનો નિર્ણય કર્યો છે. રાજકોટના જંગલેશ્વરમાં કર્ફ્યૂ દરમિયાન પણ અમદાવાદની જેમ ચોક્કસ સમયે છૂટ અપાશે.

રાજ્યમાં આવશ્યક સેવાઓ સાથે જોડાયેલી કચેરીઓ તેમજ સરકારી કચેરીઓ 20મી એપ્રિલથી ખૂલશે. આ કચેરીઓમાં માસ્ક પહેરવું ફરજિયાત રહેશે અને સરકારની ગાઇડલાઇન મુજબ કાર્ય શરૂ થશે. કોવિડ-19 ચેપ વાયરસ સાથે સીધા સંકળાયેલા કર્મચારીઓ/અધિકારીઓ તેમજ કલેકટર, પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, આવશ્યક સેવાઓ, પોલીસ, અન્ન અને નાગરિક પુરવઠો, ગેસ, ઇલેકટ્રિકસીટી વગેરે સેવાઓની કચેરીઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.

આ દરમિયાન હોટસ્પોટ વિસ્તારની કચેરીઓ બંધ રાખવામાં આવશે. રાજ્યમાં 20મી એપ્રિલથી તબક્કાવાર સરકારી કચેરીઓ ખુલશે. રાજ્યના 60 માર્કેટિંગ યાર્ડ પણ કાર્યરત થયા છે ત્યારે સરકાર તરફથી કેન્દ્રની ગાઇડલાઇન મુજબ વેપાર ઉદ્યોગો શરૂ કરાવવામાં આવશે જોકે, આ તમામ છૂટમાં હોટસ્પોટ વિસ્તારોને છૂટ નહીં મળે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]