ગાંધીનગર– પૂર્વ રાષ્ટ્રપતિ અને આજીવન નવી શોધોને આવકારનારા ડૉ.એપીજે અબ્દુલ ક્લામને યાદ કરતાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ જણાવ્યું કે, વર્ષ-૨૦૦૮થી શરૂ થયેલા ડૉ.એ.પી.જે. અબ્દુલ ક્લામ ઇગ્નાઇટ એવોર્ડ માટે આ વર્ષે યુનિયન ટેરેટરી સહિત દેશભરમાંથી ૬૫ હજાર જેટલા વિદ્યાર્થીઓએ પોતાના નવા વિચારો-શોધોને રજૂ કરવા નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશનને અરજી મોકલી હતી જેમાંથી ૫૭૬ જિલ્લાઓના કુલ ૫૬ વિજેતાઓને પુરસ્કાર આપતાં હું ગર્વ અનુભવું છું.તેઓએ જણાવ્યું કે, નાના બાળકોનો વિજ્ઞાન પ્રત્યેનો અભિગમ અને અવનવી શોધોથી હું ચકિત થયો છું. તેઓની આ શોધો અને નવા આઇડિયાને આઇઆઇટી અને એનઆઇડી જેવી દિગ્ગજ શૈક્ષણિક સંસ્થાઓએ પણ પ્રોત્સાહિત કરવા જોઇએ. અહીં પ્રસ્તુત ઘણાં વિચારો તો એવા છે જે લોકોનું જીવન વધુ સરળ બનાવે. વિદ્યાર્થીઓના નવોત્થાનથી વિશેષ પ્રભાવિત થતાં શ્રી પ્રણવ મુખર્જીએ કહ્યું કે, બાળકોની શોધ લોકો માટે ખૂબ લાભદાયી બની રહેશે. ઘણાં આઇડિયા માટે જોખમ પણ ખેડવુ પડતું હોય છે. ભૂલો થાય છે તો સામે શીખવા પણ મળે છે. આમ જ બાળકોના વૈજ્ઞાનિક માનસનો વિકાસ થાય છે. આ બાબતે હની બી નેટવર્કના ઉમદા કાર્યને તેઓએ બિરદાવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યપાલ ઓ.પી. કોહલીએ જણાવ્યું કે, રાષ્ટ્રીય નવ પ્રવર્તન પ્રતિષ્ઠાન દેશભરના બાળકોમાં વિજ્ઞાન, નવી શોધ, નવા વિચારો અને જીવન જરુરી પ્રવર્તમાન વસ્તુઓમાં જ કંઇક વધુ સગવડ ઉમેરવા હંમેશા પ્રોત્સાહિત કરે છે. અહીં ૫૬ વિદ્યાર્થીઓ દ્વારા અદભૂત કહી શકાય તેવી ૨૯ કૃતિઓ અમે નિહાળી. જે દરેક તેના સ્થાને ઉત્તમ કહી શકાય. દરેક વિજેતા વિદ્યાર્થીઓને તેમણે જણાવ્યું કે તમે આજીવન તમારી જિજ્ઞાસાવૃત્તિને પોષતા રહેજો.પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી અને રાજ્યપાલ શ્રી દ્વારા વિજેતાઓને એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરાયાં હતાં.