ગાંધીનગરઃ રાજ્યના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અને મહેસાણાની દૂધસાગર ડેરીના ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની નાણાકીય ગેરરીતિ આચરવાને મુદ્દે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે બુધવારે મોડી રાતે વિપુલ ચૌધરીના ગાંધીનગરના પંચશીલ ફાર્મહાઉસથી તેમની ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાંચે વિપુલ ચૌધરીના પર્સનલ CA શૈલેશ પરીખની પણ ધરપકડ કરી છે.
વિપુલ ચૌધરીની મહેસાણા એસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના (સીઆર નંબર 5/2022)ના સંદર્ભમાં ધરપકડ કરવામાં આવી છે. તેમની પર કલમો 406, 409, 420, 465, 467 હેઠળ અને IPCના 468, 471, 120(B) તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની 12, 13(1), 13(2) કલમો અંતર્ગત અટકાયત કરવામાં આવી છે. વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીના ચેરમેન હતા તે સમયે થયેલી નાણાકીય ગેરરીતિઓ અંગે ધરપકડ કરવામાં આવી છે. વિપુલ ચૌધરીએ 17 બોગસ કંપનીઓ બનાવીને રૂ. 320 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. નાણાકીય ગેરરીતિનો મામલો હોવાથી તેમની તથા તેમના સીએ શૈલેશ પરીખની પણ અટકાયત કરવામાં આવી છે.
તેઓ દૂધસાગર ડેરીના ચેરમેન રહી ચૂક્યા છે, તેમના કાર્યકાળમાં નાણાકીય વ્યવહારોમાં ગેરરીતિ આચરવાની ફરિયાદ થઈ હતી. જેની ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતાં રૂ. 300 કરોડથી વધુનું કૌભાંડ થયું હોવાનું બહાર આવ્યું હતું. તેમને અને તેમના PAને ACB ઓફિસે લઈ જવામાં આવ્યા છે.
જોકે વિપુલ ચૌધરીની અટકાયત બાદ અર્બુદા સેનામાં ભારે રોષ વ્યાપ્યો છે અને અર્બુદા સેનાના તમામ સભ્યો વિપુલ ચૌધરીના નિવાસસ્થાને એકત્રિત થયા હતા. તેઓ સૌ સરકારે જે રીતે વિપુલ ચૌધરીની ધરપકડ કરી તેનાથી રોષે ભરાયા છે અને સરકાર સામે બાથ ભીડવાની તૈયારી કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે વિપુલ ચૌધરીની ધરપકડ વિધાનસભા ચૂંટણીમાં ઉત્તર ગુજરાતના રાજકારણમાં પણ અસર પાડી શકે છે. અગાઉ 2020માં બનાસ ડેરીમાં રૂ. 14.80 કરોડના બોનસ કૌભાંડમાં વિપુલ ચૌધરીની ધરપકડ થઈ હતી. વિપુલ ચૌધરી 2014માં દૂધસાગર ડેરીના વડા હતા, પરંતુ ભ્રષ્ટાચારના આરોપોને કારણે તેમને અમૂલ અને દૂધસાગર એમ બંનેમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. વિપુલ ચૌધરી પર પશુ આહારમાં રૂ. 22 કરોડના કૌભાંડનો આરોપ હતો.