પાલનપુરઃ ફૂડ વિભાગે ઘીનો વેપાર કરતા વેપારીને ત્યાં દરોડા પાડ્ય છે. શહેરના ચડોતર નજીક કોમ્પ્લેક્સમાંથી શંકાસ્પદ ઘી મળ્યું હતુ, જેમાં અધિકારીઓને જોઇને વેપારી ફરાર થઈ ગયો હતો. ફૂડ વિભાગે પોલીસ બોલાવી ગોડાઉનને સીલ કર્યું છે, વિભાગે બાતમીની આધારે દરોડા પાડ્યા હતા. પાલનપુરના ચડોતર નજીક ખાનગી કોમ્પ્લેક્સમા શંકાસ્પદ ઘીના ગોડાઉન ઉપર ફૂડ વિભાગે રેડ કરી હતી. ફૂડ વિભાગના અધિકારીઓને જોઈને વેપારી ગોડાઉનને લોક મારી ચાવી લઈને ભાગી ગયો હતો. આ શંકાસ્પદ ઘીનું ગોડાઉન ચડોતરના કેબી લોજિસ્ટમાં આવેલું છે.
જોકે ફૂડ વિભાગને ઉલ્લુ બનાવીને વેપારી છૂમંતર થયો હતો. પોલીસે ગોડાઉન સીલ કરી દીધું છે. વેપારીને હવે ફરીથી ધંધો કરવો હોય તો તેણે ગોડાઉનનું સીલ ખોલાવવું પડશે અને તપાસ કરાવવી પડશે પછી જ ધંધો કરી શકશે.
બનાસકાંઠાના ડીસામાં GIDC વિસ્તારમાં ખાદ્ય તેલ અને ઘીનું પ્રોડક્શન કરતા ત્રણ એકમો પર ફૂડ વિભાગે દરોડા પાડયા છે. જ્યાંથી શંકાસ્પદ જણાતા ઘી અને તેલના સેમ્પલ લઈ કેટલોક જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. ડીસામાં 36 લાખની કિંમતનો શંકાસ્પદ માવો મળી આવ્યો હતો. ડીસા GIDCમાં આવેલ અમર ઇન્ડસ્ટ્રીઝમાંથી રિફાઈન સોયાબીન ઓઇલનો જથ્થો સીઝ કરાયો હતો. જિલ્લા ફૂડ વિભાગ દ્વારા મોડી રાત સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી અને નમૂના લેવામાં આવ્યા હતા. જેથી અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપ્યો હતો.