બેંગલુરુના દંપતીએ 17 દિવસે બાળકીનો ચહેરો જોયો

સુરત: દેશમાં સંપૂર્ણ લોકડાઉનને કારણે બેંગલુરુનાં દંપતીને ૧૭ દિવસ બાદ તેમના બાળકનો ચહેરો જોવા મળ્યો હતો. આ દંપતી બેંગલુરુમાં હતાં અને સુરતમાં સરોગેટ મધરથી તેમની બાળકીનો જન્મ થયો હતો. જન્મ સમયે લોકડાઉન હોવાથી માતા-પિતા આવી શકતાં ન હતાં. એર એમ્બ્યુલન્સ દ્વારા મંગળવારે બાળકીને બેંગલુરુ પહોંચાડવાની વ્યવસ્થા દંપતીએ જ કરતાં આજે બાળકીને સુરતથી બેંગલુરૂ લઇ જવામાં આવી હતી.

ટવેન્ટીફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલમાં બાળકીનો જન્મ થયો

સુરતના ડૉ. પ્રભાકર અને પૂજા નાડકર્ણીએ કહ્યું હતું કે  એક વર્ષ પહેલાં વંધ્યત્વ માટે બેંગલુરુનાં દંપતી અમારી પાસે આવ્યાં હતાં. મહિલાના ગર્ભાશયમાં થોડી સમસ્યા હોવાને કારણે તે ગર્ભધારણ કરી શકતી નહોતી. જેથી ડો. પૂજા નાડકર્ણી-સિંહે સરોગસી સાથે આઇવીએફ માટેની સલાહ આપી હતી. તેના સફળ આઇવીએફ પછી સરોગેટ માતા ગર્ભવતી થઈ ગઈ હતી અને માર્ચના અંતિમ સપ્તાહમાં  ડિલિવરી થવાની હતી.ત્યાર બાદ અમારી ટવેન્ટીફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલમાં બાળકીનો જન્મ થયો હતો.

બેંગલુરુનાં દંપતીએ ૧૭ દિવસ સુધી બાળકીનો વિડિયો કોલથી જ નિહાળ્યો

માર્ચના મધ્યથી કોરોના વાઇરસ રોગચાળાને પગલે અચાનક થયેલા લોકડાઉનને પગલે તેમનાં તેના માતાપિતાને ખૂબ ચિંતા હતા. સરોગેટ માતાને ૨૯ માર્ચે પ્રસૂતિની પીડા થતાં તેણે તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો. સરોગેટ મધર અને બાળકી બંનેની તબિયત સારી હતી. માતા-પિતા બન્યા પછી પણ તેઓ તેના સંતાને મળી શકે તેવી સ્થિતિ ન હતી, કારણ કે તેઓ બેંગલુરુમાં લોકડાઉનના કારણે ફસાયાં હતાં. એટલે વિડિયોકોલથી જ તેમણે તેમના સંતાનનો ચહેરો નિહાળ્યો હતો. આ ૧૭ દિવસમા દરરોજ ત્રણ-ચાર વિડિયોકોલ કરીને માતા-પિતા પોતાના બાળકની સાથે ડિજિટલી સંપર્કમાં રહ્યાં હતાં.

છેવટે બાળકીનું તેનાં માતા-પિતા સાથે મિલન થયું

આ ઉપરાંત તેઓ કોઈ પણ પ્રકારે સુરત આવવાના સતત પ્રયત્ન કરતા રહ્યા હતા, પણ કંઈપણ વ્યવસ્થા થઈ શકી નહોતી. છેવટે ઘણા પ્રયત્નો કર્યા પછી માતાપિતા આખરે દિલ્હીથી બાળકી માટે એર એમ્બ્યુલન્સ ગોઠવી શક્યાં હતાં. આ દરમિયાન ૧૭ દિવસ બાળકીને હોસ્પિટલની નર્સની નિગરાનીમાં જ કાળજીપૂર્વક રાખવામાં આવી હતી. તબીબી ટીમ અને સંભાળ રાખતા નર્સ સ્ટાફએ બાળકની સારી સંભાળ લીધી હતી.  આજે જ્યારે બાળકીને વિદાઈ આપવાની હતી ત્યારે હોસ્પિટલનો સ્ટાફ ખૂબ ભાવુક બન્યો હતો અને આંખોમાં આંસુ આવી ગયાં હતાં.

(ફયસલ બકીલી-સુરત)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]