અમદાવાદ– વિશ્વપ્રસિદ્ધ સંસ્થા ઈસરોમાં વધુ એકવાર આગ લાગવાનો બનાવ બન્યો છે. અમદાવાદમાં આવેલા ઇસરોમાં બપોરના સમયે આગ લાગી હતી. આગની ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે દોડી હતી. જ્યારે વધુ 3 ગાડીઓને પણ તૈયાર રાખવામાં આવી છે.ઉચ્ચ અધિકારીઓ ઘટનાને પગલે સ્થળ પર દોડી ગયાં હતાં.
મળતી માહિતી પ્રમાણે ઇસરોમાં આવેલા પ્રદર્શન વિભાગમાં સ્ટોરરુમમાં બપોરે અચાનક આગ લાગી હતી. જોતજોંતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ધૂમાડાના ગોટેગોટા ફેલાવા લાગ્યાં હતાં.ઉપરાંત સ્ટોરરુમની બાજુમાંબાજુમાં કાગળો રાખેલાં હોવાથી બનાવની ગંભીરતા વધે નહીં તેની તકેદારી રાખવામાં તંત્ર કામે લાગ્યું હતું.એક પછી એક ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી
મળતી માહિતી પ્રમાણે આગના બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી. જોકે, આગના કારણે ભારે નુકસાન થયાનો અંદાજ લગાવવામાં આવે છે. આગ કયા કારણથી લાગે એ તપાસ બાદ જ જાણવા મળશે એવું અધિકારીઓનું કહેવું છે.
આપને જણાવીએ કે ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન-ઈસરોના 1972માં બનેલા સ્પેસ એપ્લિકેશન સેન્ટરની 37 નંબરની બિલ્ડિંગમાં આવેલી સેટેલાઈટના કોમ્પેક્ટ એન્ટેના ટેસ્ટ ફેસિલિટી લેબમાં મે મહિનામાં આગ લાગી હતી. આવી આગ બે કલાકમાં બૂઝાવી દેવાય પરંતુ સાયન્ટિફિક અને ટેકનિકલ લેબ હોવાથી અંદર ધૂળ કે અન્ય કોઈ પદાર્થ પ્રવેશે નહીં તે માટે વેન્ટિલેશન ન હતું. આગ તો 2 કલાકમાં બૂઝાઈ હતી પરંતુ ધૂમાડો બહાર કાઢવામાં લગભગ 8 કલાક લાગ્યાં હતાં.